ઠગ બિલ્ડર અપૂર્વ પટેલ સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ
એસ્ટેટ બ્રોકર પાસેથી બે ફ્લેટની વેચાણ કિંમત લઇ અન્યને દસ્તાવેજ કરી આપ્યો
વડોદરા,અમેરિકા ભાગી ગયેલા ઠગ બિલ્ડર અપૂર્વ પટેલ સામે ૫૬ લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જેમાં લોન મંજૂર કરનાર બેન્કના અધિકારી સામે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ભાયલી સાંઘાણી સ્કાયઝની એરિસ્ટો વિલામાં રહેતા એસ્ટેટ બ્રોકર હર્ષિલ જયેશભાઇ પરીખે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, શ્રી સિદ્ધિ વિનાયક ડેવલોપર્સના ભાગીદાર અપૂર્વ દિનેશભાઇ પટેલે ( રહે. સમૃદ્ધિ બંગ્લોઝ, વિશ્વામિત્રી ટાઉનશિપ, માંજલપુર) મેપલ વિસ્ટા નામની સ્કીમ શરૃ કરી હતી. જ્યાં મેં બે ફ્લેટ ૫૪.૫૦ લાકમાં બુક કરાવ્યા હતા. બેન્કના અધિકારીઓએ મારા ઘરે આવીને લોનની પ્રોસેસ કરી હતી. બંને ફ્લેટની ૪૩ લાખ રૃપિયાની લોન મંજૂર થઇ હતી. બંને ફ્લેટ પેટે કુલ ૫૪.૫૦ લાખ ચૂકવાયા છે. અપૂર્વ પટેલે બંને ફ્લેટના પઝેશન વર્ષ - ૨૦૨૨ માં આપવાનું કહ્યું હતું. પરંતુ, બે વર્ષ સુધી એકપણ ફ્લેટનું બાંધકામ આગળ વધ્યું નહતું. અપૂર્વ પટેલે મને દસ્તાવેજ પણ કરી આપ્યો નહતો. ત્યારબાદ મેં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,ટ્રાયલ પાર્ટી એગ્રીમેન્ટ કરી ૫૬ લાખની લોન લઇ લીધી હતી. તેમજ અન્ય કોઇને દસ્તાવેજ કરી આપ્યો છે.