વડોદરા કોર્પોરેશનની ખોખલી કામગીરીનો વધુ એક નમૂનો : વરસાદી કાંસનો સ્લેબ ધડાકા સાથે તૂટી પડ્યો

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનની ખોખલી કામગીરીનો વધુ એક નમૂનો : વરસાદી કાંસનો સ્લેબ ધડાકા સાથે તૂટી પડ્યો 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કામગીરી ખોખલી હોવાના અવારનવાર આક્ષેપો થતા રહ્યા છે. કામગીરીમાં વેઠ ઉતારી હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. આજે સવારે ન્યુ વીઆઇપી રોડ પર વરસાદી કાંસનો આશરે 40 ફૂટનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો. હાલ ભારે વરસાદની આગાહી થઈ રહી છે ત્યારે આ વરસાદી કાંસ તૂટી જવાના કારણે નજીકની સોસાયટીમાં પાણીના ભરાવાનો વિકટ પ્રશ્નો ઊભો થાય તેવી શક્યતા રહી છે. નવા બનાવેલા રોડ રસ્તા તૂટી જવાના અને મકાનોના સ્લેબમાંથી પોપડા ખરી જવાના બનાવો બનતા જ રહ્યા છે. જેમાં હવે વરસાદી કાંસના સ્લેબનો પણ સમાવેશ થાય છે.

વડોદરામાં ન્યુ વીઆઈપી રોડ ઉપર શિવ બંગલો પાસે વારસિયા રિંગ રોડ પર કૃષ્ણકુંજ નજીક આજે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ વરસાદી કાંસનો સ્લેબ ધડાકા સાથે તૂટી પડ્યો હતો. આ બનાવ બનતા સોસાયટીના લોકો પણ ગભરાટના માર્યા સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. તરત જ કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી. રહીશોના કહેવા અનુસાર તાજેતરમાં ભારે વરસાદ પડ્યો ત્યારે પણ પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થયા હતા, અને હવે આ વરસાદી કાંસનો સ્લેબ તૂટી જતા પાણીનો નિકાલ અટકી જશે અને સોસાયટીના મકાનોના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાઈ જાય તેવો ભય ઊભો થયો છે. આ વરસાદી કાંસ 20 વર્ષ જૂનો છે. બનાવના સ્થળની નજીકમાં જ 30 જેટલા મકાનોને સ્લેબ તૂટવાના કારણે પાયામાં નુકસાન થવાનો ભય રહ્યો છે. કોર્પોરેશન દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ લોકોના કહેવા અનુસાર કૃષ્ણકુંજ અને શિવ બંગલા પાસેના કાંસને કોર્પોરેશન દ્વારા નવો બનાવવાની કામગીરી ચોમાસા બાદ હાથ ધરવાની આવશ્યકતા છે.



Google NewsGoogle News