ચેતનભાઇને આપઘાત માટે મજબૂર કરવા બદલ પકડાયેલા સાજને મહિલાના પ્લોટના કાગળો પડાવ્યા
વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં વ્યાજખોર સાજન ભરવાડ અને તેના બે ભાઇઓના
ત્રાસને કારણે ચેતનભાઇ વાળંદે આપઘાત કરી લીધો હોવાના ચકચારી બનાવ બાદ વ્યાજખોર
સાજન ભરવાડ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે.
મરનાર ચેતનભાઇને ત્યાં કામ કરતી પાર્વતી મકવાણાએ પોલીસને કહ્યું છે કે,નોટબંધી
વખતે મારી બહેને મને રૃ.એક લાખ આપ્યા હતા.જે રકમ તેણે વર્ષ-૨૦૧૮માં પરત માંગતા મેં
ચેતનભાઇને વાત કરી સાજન ભરવાડ પાસે ૧૦ ટકા વ્યાજે રૃ.૧ લાખ લીધા હતા.
મહિલાએ કહ્યું છે કે,સાજન ભરવાડે મારી પાસે અમારા જલારામ નગર ખાતે
લીધેલા પ્લોટના કાગળો લીધા હતા.મેં સાજન ભરવાડને ૧૪ મહિના સુધી વ્યાજની રકમ ચૂકવી
હતી તેમજ ત્યારબાદ મૂડીની રકમ પણ ચૂકવી હતી.પરંતુ સાજન ભરવાડ મારા પ્લોટના કાગળો
આપતો નહતો.
આ અંગે મેં વ્યાજે રકમ અપાવનાર ચેતનભાઇને વાત કરતાં તેમણે મને સાજન ભરવાડનો નંબર આપી વાત કરવા કહ્યું હતું.મેં તેને વાત કરતાં સાજને પ્લોટના કાગળ ખોવાઇ ગયા છે,આસપાસના નંબર લઇને બીજા કઢાવી લેજો તેમ કહ્યું હતું.જેથી મેં તા.૨૬મી એપ્રિલે સાજન સામે ગોત્રી પોલીસમાં ફરિયાદ આપી હતી.બીજા દિવસે સાજને મને ઓફિસે કાગળ લેવા બોલાવી હતી.પરંતુ મને એમ હતું કે પોલીસ કાગળ અપાવશે.ત્યાર પછી ચેતનભાઇ તા.૮મી મેએ દવા પી લીધી હતી.ગોત્રી પોલીસે સાજન સામે ગુનો નોંધ્યો છે.