સ્ટાર રેસિડેન્સીના ઠગ બિલ્ડર જયેશ પટેલ સામે રૃ.1.46 કરોડની વધુ એક ફરિયાદ
વડોદરાઃ એક પછી એક ગુનામાં પકડાઇ રહેલા ભાયલીના ઠગ બિલ્ડર જયેશ પટેલના ચક્કરમાં સ્ટીલના સળિયા સપ્લાય કરનાર વેપારી અને ત્રણ ગ્રાહકોએ રૃ.૧.૪૬ કરોડ ગુમાવ્યા હોવાની વધુ એક ફરિયાદ નોંધાઇ છે.
ભાયલીમાં સત્યા ડેવલોપર્સ દ્વારા મુકાયેલી સ્ટાર રેસિડેન્સીની સ્કીમમાં ભાગીદાર જયેશ નટવરલાલ પટેલ(માત્રી સોસાયટી,ગોત્રી)એ અનેક ગ્રાહકો પાસે દુકાન અને ફ્લેટના રૃપિયા મેળવી લીધા બાદ દસ્તાવેજ નહીં કરી આપતાં તેની સામે ૨૦ પોલીસ ફરિયાદ નોંધાઇ છે અને એક પછી એક ગુનામાં તેની ધરપકડ કરી રિમાન્ડ લેવામાં આવી રહ્યા છે.
ઠગ બિલ્ડર જયેશ પટેલ સામે ભાયલીની રોઝડેલ હાઇટ્સ ખાતે રહેતા મૂળ ભાવનગરના વતની કૌશિક માણેકે નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે,વર્ષ-૨૦૦૫થી હું જયેશ પટેલને સ્ટીલના સળિયા સપ્લાય કરતો હતો. શરૃઆતમાં તેણે રૃપિયા ચૂકવ્યા હતા.પરંતુ ત્યારબાદ ઉધારમાં સળિયા લેતો હતો.જયેશ પટેલે રૃ.૮૪ લાખના આપેલા ચેક પણ બાઉન્સ થયા હતા.જ્યારે તે પેટે આપેલા ત્રણ ફ્લેટ પણ બીજાને વેચી દીધા છે.
આવી જ રીતે મુંબઇના પ્રવિણચંદ્ર પરીખ પાસેથી રૃ.૨૭.૫૦ લાખ,ભાવનાબેન શાહ પાસે રૃ.૨૬.૩૦ લાખ અને જાગૃતિબેન ચોકસી પાસે રૃ.૮ લાખ મળી કુલ રૃ.૧.૪૬ કરોડ પડાવી લઇ દસ્તાવેજ કર્યા નથી.