ડેબિટ કાર્ડ બદલીને રૃપિયા વિડ્રો કરી લીધાની વધુ એક ફરિયાદ
સયાજી હોસ્પિટલ પાસેેના એટીએમ સેન્ટરમાં મહિલા સહિત બે ના કાર્ડ બદલી ઠગાઇ
વડોદરા,એટીએમમાં મદદ કરવાના બહાને ડેબિટ કાર્ડ બદલી બે નાગરિકોના કાર્ડ બદલી લઇ ૫૮ હજાર ઉપાડી લીધા હોવાની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
કિશનવાડી રોડ અંજલિ સોસાયટીમાં રહેતો નિલેશ રમેશભાઇ કહાર બજાજ ફાઇનાન્સ કંપનીમાં કલેક્શન ડિપાર્ટમેન્ટમાં છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરે છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૧૮મી નવેમ્બરે મારે બરોડા હોસ્પિટલમાં જવાનું હોવાથી મારા પત્ની સાથે ગયો હતો. હોસ્પિટલમાં પૈસા આપવાના હોવાથી હું સયાજી હોસ્પિટલ પાસે આવેલા એસ.બી.આઇ.ના એટીએમમાં રૃપિયા ઉપાડવા માટે ગયો હતો. કાર્ડ મશીનમાં નાંખ્યા પછી વિડ્રોલનું ઓપ્શન નહીં આવતા ત્યાં ઉભેલા એક શખ્સે મદદ કરવાનું કહ્યું હતું. તે શખ્સે એટીએમના સ્ક્રીન પર ક્લિક કરીને કહ્યું કે, તમારા મોબાઇલ ફોનમાં એક ઓટીપી આવશે. તે નાંખવો પડશે. જેથી, હું બહાર ઉભેલી મારી પત્ની પાસે મોબાઇલ લેવા ગયો હતો. હું અંદર આવ્યો ત્યારે તેણે કહ્યું કે, તમે ઓટીપી નાંખશો એટલે રૃપિયા વિડ્રો થશે. અને તે નીકળી ગયો હતો. મેં કાર્ડ બહાર કાઢીને જોયું તો મારૃં કાર્ડ બદલાઇ ગયું હતું. મદદ કરવાના બહારે ગઠિયો મારૃં કાર્ડ બદલી ગયો હતો. થોડીવારમાં મારા મોબાઇલ ફોનમાં મેસેજ આવ્યો કે, ૧૮,૫૦૦ વિડ્રો થઇ ગયા છે.
હું રાવપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયો ત્યાં એક મહિલા વિનાબેન કમલેશભાઇ રાઠવા (રહે. રામેશ્વર નગર, ગોધરા રોડ, હાલોલ, પંચમહાલ) ની સાથે પણ તે જ એટીએમમાં છેતરપિંડી થઇ હતી. તેમનું ડેબિટ કાર્ડ બદલીને ગઠિયો ૪૦ હજાર ઉપાડી ગયો હતો.તાજેતરમાં પોલીસે પકડેલા ઠગ તુષાર અનિલભાઇ કોઠારી(રાજમહેલ રોડ, હાથીપોળ,વડોદરા હાલ રહે.ભાઇલાલ દાદાની ચાલી, સ્ટેશન રોડ,આણંદ)ની પૂછપરછમાં આ ગુનાનો ભેદ ઉકલ્યો હતો.