મહિલાનો નિર્વસ્ત્ર વીડિયો વાયરલ કરવાના કેસમાં વધુ એક ફરિયાદ
મહિલાની ચઢમણી કરીને ફરિયાદ કરાવી હોવાનો આક્ષેપ
વડોદરા,આંકડાનો ધંધો કરતી મહિલાએ કરેલી ફરિયાદ બાદ કહેવાતા પત્રકારો વચ્ચે ફરિયાદો દાખલ કરવાનો દોર શરૃ થયો છે. ગઇકાલે વધુ એક ફરિયાદ અગાઉના કેસના આરોપીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
મકરપુરા જશોદા કોલોનીમાં રહેતો શૈલેષ ચીમનભાઇ પરમાર એક પેપરનો તંત્રી છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૩૦મી ઓક્ટોબર અને ૭મી નવેમ્બરે મેં પ્રિયાંક નગીનભાઇ રોહિત ( રહે. શ્રીજી નગર, જશોદા કોલોની, મકરપુરા) સામે અરજીઓ કરી હતી. એક મહિલાને ત્યાં રેડ થાય છે. તે રેડ હું કરાવું છું.તેવી શંકા પ્રિયાંકે મારા પર રાખી મહિલાની ચઢમણી કરી મારા વિરૃદ્ધમાં ખોટી અરજીઓ આપી હતી.
ગત તા.૩જી નવેમ્બરે રાતે સાડા દશ વાગ્યે પ્રિયાંકે તેના મોબાઇલ નંબર પરથી મારા મિત્ર ઘનશ્યામ પરમારને વોટ્સએપ પર કોલ કરી ધમકી આપી હતી કે, હું શૈલેષ પરમારના હાથ પગ ભાંગી નાંખીશ. તેમજ મને ગાળો બોલ્યો હતો. તે કોલનું મારા મિત્રે બીજા ફોનથી રેકોર્ડિંગ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, આંકડાનો ધંધો કરતી મહિલાનો નિર્વસ્ત્ર વીડિયો વાયરલ કરવાના કેસમાં શૈલેષ પરમાર સામે મકરપુરા તેમજ વાડી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે.
બે પોલીસ સ્ટેશન વચ્ચે સંકલનના અભાવે પોલીસની આબરૃના ધજાગરા
વોન્ટેડ આરોપી બિન્ધાસ્તપણે પોલીસ સ્ટેશન જઇ ફરિયાદ નોંધાવે છે
વડોદરા,મહિલાએ નોંધાવેલી ફરિયાદ પછી શૈલેષ પરમારને પગમાં ફ્રેક્ચર થયું હોવાથી જે - તે સમયે તેને એરેસ્ટ કરવામાં આવ્યો નહતો. ગઇકાલે તે ફરિયાદ નોંધાવવા આવ્યો ત્યારે તેની ધરપકડ કર્યા પછી તેની ફરિયાદ નોંધવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ અક્ષય સોલંકીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે તે પણ વાડીના ગુનામાં વોન્ટેડ હોવાછતાંય તેને પકડવામાં આવ્યો નહતો. અને હવે તેણે આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે. શૈલેષ પરમાર પણ વાડીના ગુનામાં વોન્ટેડ છે. તેમછતાંય તેણે મકરપુરામાં ફરિયાદ નોંધાવી હતી. બે પોલીસ સ્ટેશન વચ્ચે સંકલનના અભાવે એક ગુનાનો આરોપી બિન્ધાસ્તપણે બીજા પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ નોંધાવી પોલીસની આબરૃના ધજાગરા ઉડાવી રહ્યો છે.