વડોદરાની આસપાસ દિપડાનો અડિંગોઃ માનવીનું લોહી ચાખી ગયેલા દિપડાને પકડવા બીજું પાંજરું મુકાયું
વડોદરાઃ વડોદરાની આસપાસના ગામોમાં દિપડાએ અડિંગો જમાવી રાખ્યો હોવાથી વારંવાર રહેણાંક વિસ્તારમાં દિપડો ત્રાટકી રહ્યો છે.ધનીયાવી ગામે માનવીનું લોહી ચાખી ગયેલા દિપડાને પકડવા માટે વનવિભાગે બીજું પણ એક પાજરું મુક્યું છે.
વડોદરાની આસપાસ વાઘોડિયા, ડભોઇ, શેરખી,હરણી જેવા વિસ્તારોમાં દિપડો વારંવાર દેખા દેતો હોવાથી લોકોમાં ગભરાટ વ્યાપ્યો છે.અગાઉ હરણી નજીક દરજીપુરાની કોલોની વિસ્તારમાં તેમજ વડોદરા પાસેના શેરખી ગામની સીમમાં દિપડો ધસી આવ્યો હતો. જ્યારે,પાંચેક દિવસ પહેલાં વડોદરા પાસે ધનીયાવી ગામે એક મકાન સુધી ધસી આવેલા દિપડાએ ૭૫ વર્ષીય પ્રતાપસિંહ પર હુમલો કર્યો હતો.
ધનીયાવી ગામે રહેણાંક વિસ્તારમાં દિપડો ધસી આવતાં ગામલોકોમાં ભારે દહેશત વ્યાપી છે.તેમણે વનવિભાગની મદદ માંગતા એક પાંજરું મુકવામાં આવ્યું હતું.પરંતુ દિપડો નહિં પુરાતાં બીજું એક પાંજરું પણ મુકવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ,દિપડો પાંજરા સુધી આવે છે અને આસપાસમાં આંટા મારીને ચાલ્યો જાય છે.ગામની સ્કૂલમાં સીમમાં થઇને બાળકો આવતા હોવાથી તેમનું જોખમ વધ્યું છે.જેથી ગ્રામજનોએ વનવિભાગ પાસે વધુ પગલાં લેવાની માંગણી કરી છે.