Get The App

ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યામાં વધુ એક આરોપી ઝડપાયો

અગાઉ પોલીસે પકડેલા ૯ આરોપીઓ જ્યુડિશીયલ કસ્ટડીમાં છે

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News

 ભાજપના  પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યામાં વધુ એક આરોપી ઝડપાયો 1 - imageવડોદરા, પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની સયાજી હોસ્પિટલમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં સામેલ ૯ આરોપીઓને પોલીસે અગાઉ ઝડપી પાડયા હતા. આ ગુનામાં સામેલ અને નાસતા ફરતા વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડયો છે. આ ગુનામાં  પોલીસ ઝડપથી પુરાવા એકત્રિત કરી  રહી છે. મર્ડર કેસની ચાર્જશીટ ઝડપથી થાય તે માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા. ૧૭ મી ની  રાતે નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં  વિક્કી પરમાર નામના યુવક પર બાબર પઠાણે ચાકુથી હુમલો કરતા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વિક્કી  પરમારની ખબર જોવા માટે તેના મિત્રો મિતેશ રાજપૂત, ધારક રાણા તથા ભાજપના પૂર્વ  કોર્પોરેટરનો  પુત્ર તપન પરમાર બાઇક લઇને સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં ગયા હતા. અડધો કલાક સુધી તેઓ ત્યાં ઉભા રહ્યા બાદ  તેઓ  કેન્ટીનમાં ચા પીવા માટે ગયા હતા.  તે દરમિયાન માથાભારે  બાબર પઠાણ, એક મહિલા તથા અન્ય હુમલાખોરો દોડી આવ્યા હતા. બાબર પઠાણે અગાઉ વિક્કી  તથા ધર્મેશ સાથે થયેલી મારામારીની અદાવત રાખી હુમલો કર્યો હતો. બાબરે તપન પરમાર  પર ચાકૂ વડે હુમલો કરી ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા હતા. તેની સાથે આવેલા અન્ય હુમલાખોરો પણ તપન પર તૂટી પડયા હતા. મિતેશ બાઇક પરથી નીચે પડી ગયો હતો. જ્યારે તપન પોતાનો જીવ બચાવવા માટે તાત્કાલિક સારવાર વિભાગ તરફ દોડયો હતો. હુમલાખોરોએ તેનો  પીછો કરી ફરીથી હુમલો કરતા તપન ત્યાં જ ઢળી પડયો હતો.રાવપુરા પોલીસે ઇજાગ્રસ્ત મિતેશની ફરિયાદના આધારે ૧૦ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો  હતો. મુખ્ય આરોપી બાબર પઠાણ સહિત ૯ ને પોલીસે ઝડપી પાડયા હતા. જેઓ  હાલમાં જેલમાં છે. જ્યારે અન્ય એક આરોપી પણ  ગુનો કર્યા  પછી નાસતો ફરતો હતો. ટેકનિકલ  અને હ્યુમન સોર્સ મારફતે  પોલીસે તપાસ હાથ ધરી આરોપી આસિફખાન કરીમખાન પઠાણ ( રહે. શબનમ ચેમ્બર્સની સામે, નવાબવાડા ) ની ધરપકડ કરી છે.


Google NewsGoogle News