ઇન્સ્ટાગ્રામ પર સગીરાના પોતાની સાથેના ફોટા મૂકી હેરાન કરતો યુવક
ગુનો દાખલ થયા પછી વિદેશ ભાગી જનાર આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર
વડોદરા,વિદેશ ભાગી ગયા પછી સગીરા સાથેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂકી માનસિક રીતે હેરાન કરતા આરોપીની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
શહેરમાં રહેતી ૧૪ વર્ષની કિશોરી ગત તા. ૧૧ - ૧૨ - ૨૦૨૩ ના રોજ બપોરે સવા એક વાગ્યે તેની બહેનપણીના ઘરે ગઇ હતી.ત્યાંથી તેઓ બંને કોઇને કહ્યા વિના જતી રહી હતી. તેઓના અપહરણની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ કેસમાં સંડોવાયેલા આરોપી રિશિ શાહ ( રહે. માંડવી) એ આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. સરકારી વકીલ પરેશ પટેલે રજૂઆત કરી હતી કે, સગીરાને શારીરિક સંબંધ બાંધવાના ઇરાદે આરોપી ભગાડી જાય છે. ત્યારબાદ આરોપી તા. ૧૩ - ૧૨ - ૨૦૨૩ ના રોજ દુબઇ ભાગી જાય છે. તેની ધરપકડ માટે સી.આર.પી.સી. ૭૦ મુજબનું વોરંટ પણ લીધું છે. તેમજ લૂક આઉટ નોટિસ કાઢવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. આરોપી વિદેશ ભાગી ગયા પછી કિશોરી સાથેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂકી તેમજ કોલ કરી હેરાન કરતો હતો. જેથી, તેની આગોતરા જામીન અરજી નામંજૂર કરવી જોઇએ. એડિશનલ સેશન્સ જજ એમ.ડી.પાંડેય દ્વારા આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.