વડોદરામાં પાઠ્યપુસ્તકની ગરજ સારે તેવી આંગણવાડીની દીવાલો તૈયાર કરવા પ્રયાસ
- દીવાલો પર પશુ પંખી, શાકભાજી, ફળફળાદી, શરીરના અંગો, મૂળાક્ષરો અને બાળવાર્તાઓના ચિત્રો દોરાયા
વડોદરા,તા.2 જાન્યુઆરી 2024,મંગળવાર
વડોદરા કોર્પોરેશન દ્વારા આઈ.સી.ડી.એસ યોજના હેઠળ આશરે 380 આંગણવાડીઓ ચાલે છે. જેમાં ત્રણથી પાંચ વર્ષના બાળકોને થીમ બેઝ સ્કુલ એક્ટિવિટી કરાવવામાં આવે છે. કારેલીબાગમાં મંગલ પાંડે રોડ, પ્રધાનમંત્રી આવાસ યોજના પાછળ આવેલી એક આંગણવાડીની દીવાલો ખરાબ થઈ જતા પાઠ્યપુસ્તકની ગરજ સારે તેવી રીતે તૈયાર કરવામાં આવી છે. અહિંયા આશરે 30 બાળકો આવે છે. આ બાળકો સરળતાથી જ્ઞાન લઇ શકે તે માટે આંગણવાડીની દીવાલો ઉપર વિચારમંથન બાદ આકર્ષક ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ભગવાન, અંકગણિત, પશુ પક્ષીઓ અને પ્રાણીઓ, એબીસીડી, શરીરના બાહ્ય અવયવો, જળચક્રની સંક્ષીપ્તમાં જાણકારી, ફળો-શાકભાજી, વન્ય જીવો, સચિત્ર કક્કો-મુળાક્ષર, જમીન, પાણી, વિમાન, હેલિકોપ્ટર, રોકેટ, પેરાશૂટ તથા પ્રચલિત બાળવાર્તાઓનું સચિત્ર વર્ણન કરવામાં આવ્યું છે. અહિંયા આવનાર બાળક જ્યાં જોશે ત્યાં તેને કોઇને કોઇ રીતે જાણકારી મળી રહેશે.
તમામ વિષય વસ્તુઓને સરળતાથી દોરવામાં આવી છે કે, કોઇને સમજવામાં બીલકુલ તકલીફ નહિ રહે, એમ કહી વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ સમિતિના સભ્ય કહે છે કે, એક સપ્તાહની મહેનત બાદ આકર્ષક ચિત્રો સાથેની દીવાલ તૈયાર કરવામાં આવી છે. આમ પણ બાળકો જોઈને વધુ શીખે છે. આ પ્રયાસથી વિદ્યાર્થીઓનું પ્રાથમિક જ્ઞાન આસાન બની શકશે એવું તેમનું અને બાળકોના વાલીઓનું માનવું છે. આંગણવાડી ખાતેએક પુસ્તકાલય પણ તૈયાર કરવામાં આવ્યું છે. આંગણવાડીમાં આવતા બાળકોના માતા-પિતા દર અઠવાડિયે ભગવાનના, દેશભક્તો અને મહાન વિભૂતિઓના એક પુસ્તક અહીંથી લઈ જાય છે અને પોતાના બાળકને તેમાંથી વાર્તા કહી સંભળાવે છે. પહેલાના વખતમાં બાળકો તેમના માતા પિતા પાસેથી વાર્તા સાંભળીને મોટા થયા છે. જ્યારે આજકાલ તેવું નથી પરંતુ આંગણવાડીમાં આ પ્રયોગ કરવામાં આવ્યો છે અને તે સફળ રહ્યો છે, એમ તેઓ કહે છે.