સરકારી ગોડાઉનોમાંથી જીવાતો ઉડીને લોકોના ઘરોમાં ઘૂસતા રહીશો હેરાન
હુજરાતપાગા વિસ્તારના લોકો રજૂઆતો કરીને થાક્યા બાદ આખરે ગોડાઉન પર પહોંચી હલ્લાબોલ
વડોદરા, તા.23 શહેરના હુજરાતપાગા વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી જીવાતો ઉડીને આજુબાજુના વિસ્તારોમાં રહેતાં લોકોના ઘરમાં આવતા ઉશ્કેરાયેલા લોકોએ આજે ગોડાઉન પર પહોંચી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે શહેર અને જિલ્લાના લોકોને રેશનિંગ દુકાનમાંથી મળતા અનાજ સહિતનો પુરવઠો હુજરાતપાગા ખાતેના સરકારી અનાજના ગોડાઉનમાં લાવીને તેનો સંગ્રહ કરવામાં આવે છે. બાદમાં નિર્ધારિત સ્થળોએ આ પુરવઠો પહોચાડવામાં આવતો હોય છે. ગોડાઉનોમાં સ્વચ્છતા નહી હોવાથી અનાજના કોથળાઓમાં જીવાતો પડી જાય છે અને અનાજનો મોટા જથ્થાનો નિકાલ કરવો પડે છે અથવા તો લોકોને રેશનિંગ દુકાનોમાં વહેંચી દેવામાં આવે છે.
હુજરાતપાગા સ્થિત આ ગોડાઉનોમાં સ્વચ્છતાના અભાવે ધનેડા સહિતની જીવાતો મોટી સંખ્યામાં વધી ગઇ છે. જેમાંથી અમુક જીવાતો ઉડીને ગોડાઉનની આજુબાજુમાં વર્ષોથી રહેતા લોકોના ઘરમાં પહોંચી જાય છે. આ અઁગે રહીશોએ ગોડાઉનોમાં સ્વચ્છતા જાળવવા તેમજ નિયમિત સફાઇ કરવાની માંગ સાથે તંત્રને અનેક વખત રજૂઆતો કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઇની ફરિયાદો સાંભળવામાં આવતી ન હતી જેથી આજે રોષે ભરાયેલા લોકો મોટી સંખ્યામાં ગોડાઉનમાં પહોંચી ગયા હતાં.
ગોડાઉનમાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રહીશોએ આક્ષેપ કર્યા હતાં કે અમારા ઘરોમાં જીવડા ઘણી વખત જમવામાં તેમજ પાણીમાં જોવા મળતા હોય છે. રહીશોએ જણાવ્યું હતું કે સમયસર દવાઓનો છંટકાવ કરવો જોઇએ જેથી અનાજ ભરેલા કોથળામાં કીડા પડે તો રોકી શકાય, અથવા તો સ્વચ્છતા પણ રાખવી જોઇએ. અમુક જીવાતો ઉડીને અમારા ઘરમાં આવે છે અને અમે હેરાન પરેશાન થઇ જઇએ છીએ. જો કે આજે લોકોનો રોષ જોઇને ગોડાઉનના સંચાલકોએ કેટલાંક સ્થળે દવાઓનો છંટકાવ કર્યો હતો.