આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો મામલતદાર કચેરી પર ધામા નાંખશે
પ્રતિક ઉપવાસની મંજુરી તંત્ર આપશે તો
રાજ્ય વ્યાપી આંદોલન છેડવામાં આવ્યાના એક મહિને પણ સરકાર દ્વારા પ્રત્યુત્તર નહીં અપાતા વ્યાપેલી ભારે નારાજગી
ગાંધીનગર : પાટનગરમાં સરકારી અન્યાય સામેની લડતના એક પછી એક રણશીંગા ફૂંકાતા રહે છે. અનેકવિધ માંગણીઓ સાથે એક મહિનાથી આંદોલન ચલાવી રહેલી આંગણવાડીઓની કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા હકારાત્મક પ્રત્યુત્તર નહીં મળવાથી આંદોલનને નવી દિશા અપાનાર છે. તેના અંતર્ગત આવેદન પત્ર સુપરત કરવા સાથે તંત્ર પાસેથી ગાંધીનગરમાં મામલતદાર કચેરી સામે જ ત્રણ દિવસ માટે પ્રતિક ઉપવાસ પર બેસવાની મંજુરી માંગી છે.
ગત તારીખ ૨૬મીથી ગાંધીનગર જિલ્લાની ૯૫૧ આંગણવાડીની કર્મચારી
મહિલાઓ સહિત રાજ્યભરની આંગણવાડી કર્મચારી મહિલાઓ દ્વારા સરકાર સામે આંદોલન
છેડવામાં આવ્યું છે. સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવા ઉપરાંત લઘુતમ વેતન
ધારાનો અમલ, આંગણવાડીનો
સમય સવારે ૧૦થી ૩નો કરવા અને તેના પહેલા કે ત્યાર બાદ કોઇ કામગીરી નહીં સોંપવા, ૪૫ વર્ષની વય
મર્યાદાનો નિયમ રદ કરવા, ખાલી
જગ્યાઓ તાત્કાલીક ભરવા, આઇસીડીએસ
સિવાયની કામગીરી લેવાની પ્રથા બંધ કરવા,
અન્ય ખાતામાંથી આવેલા કાર્યકર્તાની સિનીયોરિટી મુળ નોકરીમાં હાજરથયાની તારીખથી
જ ગણવા, પોષણસુધાની
કામગીરી અન્ય વિભાગને સોંપવા,
રજીસ્ટર અથવા મોબાઇલ એપ બેમાંથી એક જ પદ્ધતિનો અમલ કરવાની સાથે કાર્યકરોના
પર્સનલ મોબાઇલનો સરકારી કામમાં ઉપયોગ કરવાનો દુરાગ્રહ છોડવા સહિતની માંગણીઓ સરકાર
સમક્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત આંગણવાડી કાર્યકરોને નોટિસ કે બચાવની તક આપ્યા વગર
પગાર કાપની એકતરફી કાર્યવાહી બંધ કરવા અને દર મહિને ૧થી ૮ તારીખ સુધીમાં પગાર
કરવાની વ્યવસ્થા ગોઠવવાની માંગણી પણ સામેલ છે.
નોંધવું રહેશે, કે છેલ્લે ગાંધીનગર નજીક રાંધેજામાં એકત્ર થઇને સરકાર દ્વારા દિવાળી પહેલા પ્રશ્નો ન ઉકેલાય તો ઉપવાસ આંદોલન છેડવાની જાહેરાત કરવામાં આવી હતી. આંગણવાડીના કાર્યકર અને તેડાગર મહિલાઓ દ્વારા રાજ્ય વ્યાપી હડતાલ કરવામાં આવી છે. તેના અંતર્ગત ગુરૃવારે જિલ્લા તંત્રને આવેદન સુપ્રત કરવા સાથે તારીખ ૨૮મીથી ૩૦મી સુધી મામલતદાર કચેરી સામે પ્રતિક ઉપવાસ પર બેસવા માટે મંજુરી માંગવામાં આવી હતી.