વડોદરામાં ગ્રીનબેલ્ટની જગ્યામાં ગ્રીનરીને બદલે આંગણવાડીના મકાનો બનાવ્યા, હજુ ચાર રૂમનું કન્સ્ટ્રકશન ચાલુ
- ટીપી 13માં ગ્રીન બેલ્ટની જગ્યામાં ગ્રીનરી જ વિકસાવવા સ્થાનિક લોકોની માંગણી
વડોદરા,તા.19 ડિસેમ્બર 2023,મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રીનબેલ્ટના પ્લોટમાં ગ્રીનરી વિકસાવવાના બદલે બે આંગણવાડીના મકાન બાંધી દેવામાં આવ્યા છે, અને હજુ બીજા ચાર ઓરડાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, ત્યારે રૂપિયા 68 લાખના ખર્ચનું સિવિલ વર્ક બંધ કરવાની માગણી આજરોજ વિસ્તારના રહીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરી હતી.
વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ આ વિસ્તારમાં ટી.પી.13 ખાતે ફાયર સ્ટેશનની બાજુમાં હાલમાં એક મોટો બગીચો છે. હવે તેની બાજુમાં માત્ર 100 મી.ના અંતરે હાલમાં ગ્રીન બેલ્ટની નાની જગ્યામાં બીજો બગીચો કાર્યરત કરવાનુ કામ હાલ ચાલુ છે. ગ્રીન બેલ્ટમાં 2 આંગણવાડીના મકાનો બાંધેલ છે અને તેની બાજુમાં શ્યામ રેસીડન્સીની કંમ્પાઉન્ડને અડીને ચાર મોટા રૂમો બનાવવાની કામગીરી થઈ રહી છે. બાજુમાં ખુણાની ખુલ્લી જગ્યામાં પાણીની કોઈ સુવિધા છે નહીં અને પ્લાસ્ટીક બાંધીને શૌચાલય ચાલુ કરી દીધું છે. જેની દુર્ગંધ આખી સોસાયટીમાં ફેલાય છે. જેના કારણે સ્થાનિક સોસાયટીના લોકોની માંગણી છે કે આ ગ્રીનબેલ્ટમાં ફ્ક્ત ગ્રીનરી જ કરવામાં આવે કોઇ પણ જાતનુ સીવીલવર્ક ન થવુ જોઇએ. તેમજ બાજુમાં ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિક બાંધી ઉભું કરેલું શૌચાલય બંધ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો વતી માંગણી કરી હતી. લોકોનું કહેવું છે કે ગ્રીનબેલ્ટની આ જગ્યામાં આગળના ભાગમાં ગ્રીનરી વિકસાવી જોઈએ અને વચ્ચે આંગણવાડીના મકાનો બાંધી દીધા બાદ પાછળની ખુલ્લી જગ્યા કે જે હાલ જંગલ જેવી થઈ ગઈ છે ત્યાં બાંધકામ કરવું જોઈએ.