નડિયાદ પાસે નહેરમાં કાર ખાબકતા આણંદના અડધ ગામના વૃદ્ધનું મોત
મૃતકના ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડ પરથી ઓળખ થઇ
ફાયરબ્રિગ્રેડે ક્રેન મંગાવીને દોઢ કલાકની જહેમત બાદ નહેરમાંથી કાર કાઢતા લાશ મળી
નડિયાદ: નડિયાદના એપીએસસી મોટી નહેરમાં આજે સવારે કાર ખાબકી હતી. આ ઘટનાની જાણ થતાં તંત્ર દોડી ગયું હતું. દોઢ કલાકની જહેમત બાદ ફાયર બ્રિગ્રેડે કારને નહેરમાંથી બહાર કાઢી હતી.આ કારમાંથી એક લાશ મળી હતી. જે આણંદના મોટા અડધ ગામના વૃદ્વ હોવાનું બહાર આવ્યું છે. તેઓ આજે વહેલી સવારે સંતરામ દર્શન કરવા નિકળ્યા હતા.
નડિયાદના પીપલગ ગામ પાસે આજે વહેલી સવારે નેશનલ હાઇવે નંબર ૪૮ પરથી પસાર થતી કાર અચાનક નહેરમાં ખાબકી હતી. આ બનાવની જાણ થતાં લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગ્રેડને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને નડિયાદ ફાયરના તરવૈયાઓ નહેરમાં પડેલી કારને દોરડાથી ખેંચી બરા કાઢવા પાણીમાં ઉતર્યા હતા પરંતુ નહેરમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી કર્મચારીઓને મુશ્કેલી પડતી હતી. અધિકારીઓએ પાણીનો પ્રવાહ ઓછો કરાવ્યો હતો. ફાયર બ્રિગ્રેડે નહેરમાંથી કારને બહાક કાઢવા ક્રેન મંગાવી હતી. આ ક્રેન મારફતે ફાયર બ્રિગ્રેડના કર્મચારીઓએ દોઢ કલાકની ભારે જહેમત બાદ કરાને બહાર કાઢી હતી. આ કારમાંથી લાશ મળી આવી હતી. મૃતકના ખિસ્સામાંથી ડ્રાઇવિંગ લાયસન્સ અને આધારકાર્ડ મળી આવ્યા હતા. જેના આધારે મૃતક આણંદના મોટા અડધ ગામના નરેન્દ્રભાઇ હિંમતબાઇ પટેલ (ઉ.વ. ૭૩) હોવાની ઓળખ થઇ હતી. તેઓ આજે વહેલી સવારે કાર લઇને સંતરામ મંદિરના દર્શન કરવા નડિયાદ જવા નિકળ્યા હતા. આ દરમિયાન કાર પીપલગ નહેરમાં ખાબકી હોવાનું અનુમાન છે. આ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.