આણંદના યુવકને સગીરા સાથે દુષ્કર્મના કેસમાં 20 વર્ષની કેદ
ફરિયાદીને વળતર પેટે 4 લાખ ચૂકવવા હુકમ
સગીરા સાથે પ્રેમસબંધ બંધાતા 2022માં લગ્નની લાલચ આપી રાજસ્થાન ભગાડી ગયો હતો
આણંદ : આણંદ શહેરની એક ૧૬ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરી, વર્ષ ૨૦૨૨માં લગ્નની લાલચ આપી અપહરણ કરી જનાર યુવકને એડીશનલ સેશન્સ જજ અને સ્પે. પોક્સો જજ, આણંદની કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તેમજ ફરિયાદીને રૃ.૪ લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે.
આણંદની સામરખા ચોકડી પાસે આવેલી જવાહર ઝુંપડપટ્ટીમાં રહેતા અને મજૂરી કરતા કરણ અશોકભાઈ વસાવા (ઉં.વ.૧૯)ને શહેરમાં રહેતી એક ૧૬ સગીરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. વર્ષ ૨૦૨૨માં કરણે સગીરાના ઘરે જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તા.૩ મે ૨૦૨૨ના રોજ સગીરાનું અપહરણ કરીને અમદાવાદ લઈ ગયો હતો. ત્યાંથી બંને રાજસ્થાન ગયાં હતાં. બાદમાં બંને કરણની મામાની દીકરીના ઘરે હિંમતનગર ખાતે આવતા સગીરાના પિતાએ તેમને પકડી પાડયા હતા અને સગીરાને લઈ આણંદ ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે શખ્સ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તાજેતરમાં આ કેસ એડીશનલ સેશન્સ જજ અને સ્પે. પોક્સો જજ, આણંદની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં જજ તેજસ આર. દેસાઈ દ્વારા વકીલોની દલીલો, ૮ મૌખિક અને ૨૧ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ કરણ વસાવાને તકસીરવાન ઠેરવ્યો હતો. કોર્ટે શખ્સને ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૃ.૮ હજાર દંડ ફટકાર્યો હતો. તેમજ રૃ.૪ લાખ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો.