ગાંધીનગરની આંગણવાડીઓમાં તાત્કાલિક ફાયર એક્સ્ટીંગ્યુસર લગાવવા આદેશ છુટયાં
સરકાર દ્વારા તમામ તંત્રોને રીતસરના દોડતાં કરી દેવાયાં
સમગ્ર જિલ્લામાં ૯૫૧ આંગણવાડી કેન્દ્રોમાં લાભાર્થી બાળકોની સંખ્યા ૫૭ હજાર : સુરક્ષાના મામલે કોઇ ચૂક નહીં રાખવા ડીડીઓની તાકિદ
રાજ્યભરમાં દરેક જિલ્લાઓની સાથે ગાંધીનગર જિલ્લામાં
આંગણવાડીઓમાં ફાયર સેફ્ટી સહિતની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે પણ સરકાર દ્વારા
કરવામાં આવેલા આદેશના પગલે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તથા પંચાયત વિભાગના
ઉચ્ચ અધિકારીઓ પણ દોડતાં થઇ ગયાં છે. સચિવાલય સ્થિત વિભાગીય કચેરીઓમાં સુરક્ષાના
પ્રબંધોને લઇને શું કરવું જરૃરી છે અને શું કરવું અનિવાર્ય છે. તે વિષયે બેઠકોના
દોર ચલાવાઇ રહ્યાં છે. રાજકોટમાં માન સર્જીત અગન કાંડમાં બાળકો પણ જીવતા ભૂંજાયા
હોવાથી બાળકોની સુરક્ષાના વિષયને ગંભીર ગણવામાં આવ્યો છે. ત્યારે નોંધવું રહેશે, કે આંગણવાડીના
લાભાર્થી બાળકોની ઉંમરતો ૬ વર્ષથી પણ ઓછી હોય છે. તાજેતરમાં પોષણ અભિયાન અંતર્ગત
બાળકોને કાળઝાળ ગરમીમાં પણ બપોરે ૧.૩૦ વાગ્યા સુધી આંગણવાડીમાં હાજર રાખવાની વાતે
વિવાદ સર્જાઇ ગયો હતો. જેના પગલે માનવીય મૂલ્યોને ધ્યાનમાં રાખીને આંગણવાડીમાં
બાળકોની ઉપસ્થિતિ સવાર સુધીની મર્યાદિત કરી દેવાનો નિર્ણય નિર્ણય લેવો પડયો હતો.
દરમિયાન ગુરૃવારે ડીડીઓ સંજય મોદી દ્વારા જેમ પોર્ટલ પરથી
ખરીદી કરવાની સાથે જિલ્લાની તમામ તમામ ૯૫૧ આંગણવાડીઓમાં ફાયર એક્સ્ટીંગ્યુસરની
વ્યવસ્થા જુન મહિના સુધીમાં જ કરી દેવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. આ
ઉપરાંત આગ અકસ્માતના સમયે ફાયર એક્સ્ટીંગ્યુસર ચલાવવાની તેડાગર કાર્યકર બહેનોને
તાલીમ આપવાની સુચના પણ આપવામાં આવી હતી.
માત્ર એન્ટ્રી નહીં ચાલે આંગણવાડીઓમાં એક્ઝિટની અલગ
વ્યવસ્થા કરવા સુચના
રાજકોટના અગન કાંડમાં ટીઆરપી ગેમ ઝોનમાં સંચાલકો અને સરકારી તંત્રોએ જે આંખ મીચામણા અલગથી એક્ઝીટ નહીં રાખવાના મુદ્દે કર્યા હતાં. તેના કારણે જ આટલી મોટી સંખ્યામાં માનવ મૃત્યુ થયા હતાં. આંગણવાડીમાં તો માસુમ ભૂલકા જ લાભાર્થી હોય છે. ત્યારે તમામ આંગણવાડીઓમાં હવે માત્ર એન્ટ્રી એટલે, કે માત્ર પ્રવેશદ્વાર જ હોવાની સ્થિતિ નહીં ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર એક રૃમ જેટલી વ્યવસ્થા જ હોય તો પણ તેમાં એન્ટ્રીની જેમ જ એક્ઝીટ મતલબ અસામાન્ય સ્થિતિ, સંજોગો હોય ત્યારે બહાર નીકળવાનો અલગરસ્તો, એક્ઝીટની વ્યવસ્થા કરવા સુચના અપાઇ છે.