તરસાલીમાં મોર્નિંગ વોકમાં નીકળેલા વૃદ્ધાના ગળામાંથી અછોડો તૂટયો
વૃદ્ધાએ ચેન પકડી રાખતા અડધો ટૂકડો હાથમાં રહી ગયો : બાઇકની નંબર પ્લેટ ઢાંકી દીધી હતી
વડોદરા,તરસાલી વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલા ૮૦ વર્ષના વૃદ્ધાના ગળામાંથી સોનાનો અછોડો તોડીને બાઇક પર આવેલા બે લૂંટારાઓ ફરાર થઇ ગયા હતા. મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
તરસાલી રેવા પાર્ક સોસાયટીમાં રહેતા ૮૦ વર્ષના ઇશરાવતીબેન રામબલી શર્મા આજે સવારે સાડા છ વાગ્યે ઘરેથી ચાલવા નીકળ્યા હતા. કમલા પાર્ક સોસાયટીના મેન રોડ પરથી તેઓ ચાલતા જતા હતા. તે સમયે તેમની પાછળથી એક બાઇક પર બે અજાણ્યા આરોપીઓ આવ્યા હતા. રોડ પરના એક બંધ પાનના ગલ્લા પાસે તેઓએ બાઇક ઉભી રાખી હતી. બાઇક પરથી એક આરોપી નીચે ઉતર્યો હતો. વૃદ્ધા તરફ તે ચાલતો આવ્યો અને ગળામાંથી સોનાનો અછોડો તોડવાની કોશિશ કરી હતી. પરંતુ, વૃદ્ધાએ ચેન પકડી રાખતા ચેન તૂટી ગઇ હતી. અડધી ચેન વૃદ્ધાના હાથમાં રહી ગઇ હતી. જ્યારે બાકીની અડધી ચેન લૂંટારાઓના હાથમાં આવી ગઇ હતી. અડધી તૂટેલી ચેન લઇને બંને આરોપીઓ બાઇક પર બેસીને સોમા તળાવ તરફ ભાગી છૂટયા હતા. અચાનક થયેલા હુમલાના કારણે વૃદ્ધા ગભરાઇ ગયા હતા. તેમણે બૂમાબૂમ કરતા એક મહિલાએ નજીક આવીને તેઓને સાંત્વના આપી પાણી આપ્યું હતું. ત્યારબાદ મહિલાએ વૃદ્ધાના ઘરે ફોન કરીને બનાવની જાણ કરતા તેમનો પૌત્ર સ્થળ પર દોડી આવ્યો હતો. તેણે કંટ્રોલ રૃમમાં કોલ કરતા પોલીસ દોડી આવી હતી. પોલીસે આ રોડ પર ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મકરપુરા પી.આઇ. જે.એન. પરમારે આ સ્થળ પર ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજ જોતા આરોપીઓ અમદાવાદ તરફ ભાગ્યા હોવાનું જણાઇ આવે છે. આરોપીઓએ બાઇકની નંબર પ્લેટ ઢાંકી દીધી હોવાથી નંબર મળ્યો નથી.