Get The App

આદિવાડા પાસે ચાલતા જઈ રહેલા વૃદ્ધનું કારની અડફેટે મોત

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
આદિવાડા પાસે ચાલતા જઈ રહેલા વૃદ્ધનું કારની અડફેટે મોત 1 - image


ગાંધીનગરમાં વધતા જતા અકસ્માત

સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધને મૂકીને કારચાલક ફરાર થઈ ગયો સેક્ટર-૨૧ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો

ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગત સોમવારે સાંજના સમયે આદીવાડા પાસે ચાલતા જઈ રહેલા વૃદ્ધને કાર ચાલકે હડફેટે લીધા હતા અને સારવાર માટે સિવિલ લઈ ગયો હતો જો કે ત્યાંથી આ વૃદ્ધને સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.

ગાંધીનગરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગત સોમવારે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે આદીવાડામાં રહેતા કિરણભાઈ ચતુરભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ગત સોમવારે સાંજના સમયે ઘરે હતા તે દરમિયાન જાણવા મળ્યું હતું કે તેમના પિતા ચતુરભાઈ કેશાભાઈને રસ્તો ઓળંગતા સમયે કારચાલક દ્વારા અડફેટે લેવામાં આવ્યા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ થતા કાર ચાલક તેમની કારમાં સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે અહીં કાર ચાલક દ્વારા તેમનો સારવારનો તમામ ખર્ચો આપવાની વાત કરવામાં આવી હતી અને ત્યાંથી નીકળી ગયો હતો. દરમિયાનમાં તેમના પિતાની તબિયત લથડતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે સવારના સમયે તેમનુ મોત થયું હતું. જેથી હાલ તો સેક્ટર ૨૧ પોલીસ દ્વારા કારના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.


Google NewsGoogle News