હાઇવે પર રોડ ઓળંગતા વૃદ્ધને ડમ્પરના ચાલકે કચડી નાંખ્યા
પિતાના ગૂમ થયાની જાણ કરવા પુત્ર પોલીસ સ્ટેશન ગયો ત્યારે અકસ્માતની જાણ થઇ
વડોદરા,હાઇવે પર સુરતથી અમદાવાદ જતા રોડ પર વાઘોડિયા બ્રિજ નજીક રોડ ઓળંગતા વૃદ્ધને એક ડમ્પર ચાલકે ટક્કર મારતા તેઓને ગંભીર ઇજા થતા મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ડભોઇ રોડ હાર્મોનિ હાઇટ્સમાં રહેતા નિતીનભાઇ મણીલાલ રોહિત મકરપુરા જી.આઇ.ડી.સી.માં નોકરી કરે છે. તેમના માતા - પિતા શિનોર તાલુકાના અંબાલી ગામે રહે છે. તેઓ ગત તા. ૨ જી એ વતનથી પુત્રના ઘરે ડભોઇ રોડ રહેવા માટે આવ્યા હતા. ગઇકાલે સવારે ૬૫ વર્ષના મણીલાલ રોહિત વાઘોડિયા રોડ બાપોદ જકાત નાકા વિસ્તારમાં રહેતા દેવજીભાઇને મળવા ગયા હતા. ત્યાંથી તેઓ પરત ઘરે આવવા માટે ૧૧ વાગ્યે નીકળ્યા હતા. સવા અગિયાર વાગ્યે તેઓ વાઘોડિયા બ્રિજ નજીક રોડ ઓળંગતા હતા. તે દરમિયાન એક ડમ્પર ચાલકે તેઓને કચડી નાંખતા તેઓનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.મોડી રાત સુધી પરત નહીં આવતા તેમનો પુત્ર નિતીન કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની જાણ કરવા ગયો હતો. તે દરમિયાન પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામનાર મણીલાલનો ફોટો બતાવતા નિતીને પિતાને ઓળખી બતાવ્યા હતા.