દિલ્હી - મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર વાહનની અડફેટે વૃદ્ધનું મોત
વૃદ્ધ મંદિરે દર્શન કરીને ચાલતા ઘરે પરત જતા હતા : ઘટના સ્થળે જ મોત
વડોદરા,દિલ્હી - મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર ફાઝલપુર કોતરો પાસે ચાલતા જતા વૃદ્ધને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓને માથા તથા શરીરે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેઓનું મોત થયું હતું. જે અંગે નંદેસરી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
શહેર નજીકના રાયકા ગામ ગંભીરીયા ફળિયામાં રહેતા ૬૦ વર્ષના સામંતભાઇ શંકરભાઇ જાદવ ગઇકાલે સવારે ૧૧ વાગ્યે ઘરેથી ચાલતા અનગઢ ગામ મહોણી માતાના મંદિરે જવા નીકળ્યા હતા. તેઓની સાથે અન્ય ભક્તો પણ હતા. મંદિરે દર્શન કરીને તેઓ પરત નંદેસરી તરફ ચાલતા આવતા હતા. તે સમયે સવા ચાર વાગ્યે દિલ્હી - મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર મુંબઇથી દિલ્હી જતા રોડ પર ફાઝલપુર કોતરો પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓને માથા તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેઓનું સ્થળ પર જ કરૃણ મોત થયું હતું. પોલીસે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ભાગી છૂટેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.