ન્યૂ વી.આઇ.પી. રોડ પર બાઇકની અડફેટે વૃદ્ધનું મોત
વહેલી સવારે ઘરેથી ચાલતા દૂધ લેવા માટે નીકળ્યા હતા
વડોદરાવહેલી સવારે ન્યૂ વી.આઇ.પી.રોડ ખોડિયાર નગર પાસે રોડ ક્રોસ કરતા વૃદ્ધને બાઇક સવારે અડફેટે લેતા તેઓને માથામાં ગંભીર ઇજા થતા મોત થયું હતું.
ન્યૂ વી.આઇ.પી. રોડ રેવડિયા મહાદેવ ભરવાડ વાસમાં રહેતા ૬૩ વર્ષના રતનસિંહ સામતસિંહ પરમાર આજે સવારે પોણા છ વાગ્યે ઘરેથી ચાલતા નીકળી દૂધ લેવા ગયા હતા. ખોડિયાર નગર રોડ રેવડિયા મહાદેવ જવાના નાકા પાસે તેઓ રોડ ક્રોસ કરતા હતા. તે સમયે અજાણ્યા બાઇક સવારે તેઓને ્અડફેટે લેતા માથા તથા જમણા પગે ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. જે અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ભાગી છૂટેલા બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી છે.