કલોલ પૂર્વમાં ફેલાયેલો રોગચાળો અંતે કોલેરા હોવાનું સાબિત થયું

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
કલોલ પૂર્વમાં ફેલાયેલો રોગચાળો અંતે કોલેરા હોવાનું સાબિત થયું 1 - image


પાંચ જેટલા દર્દીના સેમ્પલ વારાફરથી નેગેટિવ આવ્યા હતા

બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા ત્રિકમનગરના બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો : આરોગ્ય તંત્રમાં દોડધામ મચી

ગાંધીનગર :  કલોલમાં ફેલાયેલો ઝાડા ઉલ્ટીનો રોગચાળા સંદર્ભે છેલ્લા પાંચ દિવસથી દર્દીના સેમ્પલનું પરિક્ષણ કરવામાં આવતું હતું પરંતુ દરેકમાં કોલેરા નગેટિવ હોવાનુ ંજ સામે આવતું હતું જેના પગલે આ રોગચાળો કયો છે તેનો ખ્યાલ આરોગ્ય તંત્રને પણ આવતો ન હતો તેવી સ્થિતિમાં આજે બે દર્દીઓના સ્ટુલ સેમ્પલ કોલેરા પોઝિટિવ આવતા આજે ગાઇડલાઇન માજુબ જિલ્લા કલેક્ટર દ્વારા આ અસરગ્રસ્ત વિસ્તારનો બે કિલોમીટર વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.

ગાંધીનગરના કલોલમાં તંત્રની બલીહારીથી છેલ્લા ત્રણ ચાર વર્ષમાં સાતથી આઠ વખત પાણીજન્ય રોગચાળો ફાટી નિકળ્યો છે.ઝાડા-ઉલ્ટી, ટાઇફોઇડ, કમળો અને કોલેરા જેવા પાણીજન્ય રોગચાળાથી સ્થાનિકો ત્રસ્ત થઇ ગયા છે ત્યારે છેલ્લા સાત દિવસથી પુર્વની સાતથી આઠ સોસાયટીઓમાં ઝાડા ઉલ્ટીનો રોગચાળો ફેલાયો હતો. વારંવાર ટેસ્ટીંગ છતા આ રોગચાળો કયો છે તેનો ખ્યાલ આવતો ન હતો.પહેલા દિવસથી પાંચ દિવસ સુધી સતત લેવામાં આવેલા સાત જેટલા સેમ્પલમાં કોલેરા નહીં હોવાનું સામે આવ્યું હતું તેમ છતા આરોગ્ય તંત્ર અને વહિવટી તંત્ર દ્વારા ગંભીર રોગચાળો હોય તે પ્રકારે જ આ સ્થિતિમાં કામ લીધું હતું. ઘરે ઘરે સર્વલન્સ અને ઓઆરએસના પેકેટ-ક્લોરીનની ટેબલેટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.તેવી સ્થિતિમાં પાંચમાં દિવસે પરિક્ષણમાં આપવામાં આવેલા બે સ્ટુલ સેમ્પલના રિપોર્ટ કોલેરા પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે આરોગ્ય તંત્ર વધુ એલર્ટ થઇ ગયું છે સાથે સાથે વહિવટી તંત્ર દ્વારા પણ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૃપે જિલ્લા કલેક્ટર મેહુલ કે.દવે દ્વારા કલોલ પુર્વના ત્રિકમનગર,મજુર હાઉસિંગ સોસાયટીના આજુબાજુના બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પાણી પુરવઠો યોગ્ય રીતે આપવામાં આવે તેમજ તેના નિયંત્રણ માટે કલોલ મામલતદારને નિયુક્ત કરીને યોગ્ય પગલા લેવામાં આવે તે માટેની તાકિદ કરવામાં આવી છે.



Google NewsGoogle News