એલ એન્ડ ટી કંપનીના એન્જિનિયરનો ગળા ફાંસો ખાઇને આપઘાત
તરસાલીના વૃદ્ધે બીમારીથીં કંટાળીને ઝેરી દવા પી ને જીવન ટૂંકાવ્યું
વડોદરા,એલ એન્ડ ટી સ્નાઇડર કંપનીના એન્જિનિયરે અગમ્ય કારણોસર ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જ્યારે તરસાલીમાં રહેતા ૮૫ વર્ષના વૃદ્ધે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે.
વાઘોડિયા રોડ તુલસી આંગન ફ્લેટમાં રહેતો ૨૮ વર્ષનો દિવ્યાંશુ જગદીશભાઇ કાત્યાના મૂળ ઝારખંડનો રહેવાસી છે. ગઇકાલે તેણે ઘરે પંખા સાથે ટુવાલ બાંધીને ગાળિયો બનાવી આપઘાત કરી લીધો હતો. જે અંગે બાપોદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. વિનોદભાઇએ તપાસ હાથ ધરતા એવી વિગતો જાણવા મળી હતી કે, દિવ્યાંશુ છેલ્લા એક વર્ષથી એલ એન્ડ ટી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે. ગઇકાલે સવારે તેના ઘરે સાફ સફાઇ માટે કામવાળી બાઇ આવી હતી. તેણે દરવાજો ખખડાવતા દિવ્યાંશુએ દરવાજો ખોલ્યો નહતો. ત્યારબાદ બપોરે રસોઇ બનાવવાવી બાઇ આવી હતી. તેણે પણ દરવાજો ખખડાવતા દિવ્યાંશુએ દરવાજો ખોલ્યો નહતો. દરમિયાન આજુબાજુના રહીશો ભેગા થઇ ગયા હતા. તેમણે દરવાજો જોરથી ખખડાવતા સ્ટોપર ખૂલી ગઇ હતી. ઘરમાં જઇને જોયું તો દિવ્યાંશુ ફાંસો ખાધેલી હાલતમાં હતો. જેથી, પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને કોઇ ચિઠ્ઠી મળી નથી. મૃતકનો મોબાઇલ ફોન પાસવર્ડથી લોક હોઇ તેની વિગતો પણ જાણી શકાઇ નથી. પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.
જ્યારે અન્ય એક બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગત એવી છે કે, તરસાલી મોતીનગરમાં રહેતા ૮૫ વર્ષના રાજારામ સોનુરામ કદમે બીમારીથી કંટાળીને ગત તા.૩૦ મી એ ઘરે ઉધઇ મારવાની દવા પી લીધી હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પંરતુ,સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે.