ડભોઇ તાલુકાના વઢવાણા ગામે વીજ લાઇન રિપેરીેગ કરતા કર્મચારીનું કરંટ લાગતા મોત
રિપેરીંગનું કામ ચાલતું હતું ત્યારે જ અચાનક વીજ પુરવઠો ચાલુ થઇ ગયો
ડભોઇ.ડભોઇ તાલુકાના વઢવાણા ગામે વીજ કર્મચારીનું ફરજ દરમિયાન કરંટ લાગતા મોત નિપજ્યું હતું. વીજ લાઈન ફોલ્ટ માં હોવાથી વીજ લાઈન રીપેર કરતા આ ઘટના ઘટી હતી.એમ.જી.વી.સી.એલ. કંપનીની બેદરકારી હોવાના આક્ષેપ થયા છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ડભોઇ તાલુકાના વઢવાણા ગામે વીજ લાઈનમાં ફોલ્ટ હોવાથી વીજ કર્મચારી વીજલાઈન થાંભલા પર ચઢીને રિપેર કરતા હતા. તે દરમિયાન વીજ પ્રવાહ ચાલુ રહેતા કરંટ લાગતા વીજ કર્મચારી નરેન્દ્ર ભાઈ ઈશ્વરભાઈ બારિયા (ઉં.વ. ૪૦) ને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેમનુ મોત થયું હતું.
ચાલુ વરસાદમાં વીજ કર્મી લાઈનનું રીપેરીંગ કામ કરી રહ્યો હતો. વિસ્તારમાં થતી ચર્ચા મુજબ, ચાલુ કામગીરી દરમિયાન વીજ પુરવઠો અચાનક ચાલુ થઈ જતા વીજ કરંટ લાગ્યો હતો. અચાનક વીજ પ્રવાહ કઇ રીતે ચાલુ થઈ ગયો? એ તપાસનો વિષય છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૃ કરી છે. મૃતક નરેન્દ્ર ભાઈ બારિયા ડભોઇ નગરમાં મહેશ્વરી સોસાયટીમાં રહેતા હતા. અચાનક વીજ પ્રવાહને કારણે કરંટ લાગતા નરેન્દ્રભાઈનું મોત થતા પરિવારમાં તેમજ એમજીવીસીએલ કંપનીના કર્મચારીઓમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી. ડભોઇ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૃ કરી છે. દરમિયાન, જી.વી.ટી.કે.એમ.ના સેક્રેટરી જનરલ રાજુભાઇ ખત્રીએ જણાવ્યું છે કે,ટેકનિકલકર્મચારીઓને સલામતીના સાધનો આપવામાં આવતા નથી. અકસ્માતની આવી ઘટનામાં સાધનો પૂરા નહીં પાડનાર જવાબદાર અધિકારીઓ સામે કોઇ કાર્યવાહી થતી નથી.