30 હજારની લાંચ લેતા પકડાયેલા નાણા નિગમના કર્મચારીને 3 વર્ષ કેદની સજા
૧૫ વર્ષ અગાઉ ગાંધીનગરના ઉદ્યોગ ભવન ખાતે
સીલ કરેલો ફ્લેટ ખોલવા અને નો ડયુ સર્ટી માટે એક લાખ માગ્યા હતા: ગાંધીનગર પ્રિન્સિપલ ડિસ્ટ્રીક કોર્ટનો ચુકાદો
આ અંગે મળતી વિગતો પ્રમાણે અમદાવાદ ખાતે રહેતા રહીશના
મિત્રએ મિનરલ વોટરની ફેક્ટરી શરૃ કરી હતી અને તે માટે ગુજરાતના નાણાં નિગમમાંથી ૨૨
લાખ રૃપિયાની લોન લીધી હતી. આ લોન સામે બાંહેધરી તરીકે પાંચ લાખ ડિપોઝિટ તરીકે
ફ્લેટ ગીરવે મૂક્યો હતો. દરમિયાનના મિત્રને એક્સિડન્ટ થતા ફેક્ટરી બંધ થઈ ગઈ હતી
અને લોન ભરપાઈ નહીં કરી શકતા નાણા નિગમ દ્વારા ફેક્ટરી અને ફ્લેટને સીલ મારી
દેવામાં આવ્યું હતું. જે માટે ફેક્ટરીની હરાજી કરીને નિગમ દ્વારા સેટલમેન્ટ કરવામાં
આવ્યું હતું. જ્યારે ફ્લેટનો કબજો સોંપવા અને નો ડયુ સર્ટી આપવા માટે નિગમમાં કામ
કરતા તત્કાલીન કર્મચારી રમેશચંદ્ર કાંતિલાલ પટેલ દ્વારા એક લાખ રૃપિયાની લાંચની
માંગણી કરવામાં આવી હતી ત્યારે શરૃઆતમાં ૫૦૦૦ રૃપિયા આપવામાં આવ્યા હતા અને બાકીના
૩૦૦૦૦ રૃપિયા આપવાના હતા ત્યારે એસીબીને જાણ કરવામાં આવી હતી અને એસીબીએ લાંચ લેતા
રંગે હાથ ઝડપી લીધા હતા. જે સંદર્ભે ગાંધીનગર એસીબીમાં ગુનો દાખલ થયો હતો ત્યારે આ
કેસ ગાંધીનગર ડીસ્ટ્રીક એન્ડ સેસન જજ એચ.એન ભટ્ટની કોર્ટમાં ચાલ્યો હતો. જે સરકારી
વકીલ પ્રિતેશ ડી વ્યાસ દ્વારા ૧૪ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા
અને આઠ સાહેદને પણ તપાસ કરી લાંચની આ પ્રવૃત્તિ ડામવા માટે સમાજમાં દાખલો બેસે તે
પ્રકારે સજા કરવા માંગણી કરવામાં આવી હતી. જેના અનુસંધાને કોર્ટ દ્વારા આરોપી
રમેશચંદ્ર પટેલને ત્રણ વર્ષની કેદની સજા અને ૧૦,૦૦૦નો દંડ ભરવા હુકમ કરવામાં આવ્યો હતો.