સુરતમાં પાલિકાએ ડક્કાઓવારા ખાતે બનાવેલા કૃત્રિમ તળાવ તાપીના પાણીમાં ગરક થઈ ગયા
- તાપી નદીની સપાટી વધતા ડક્કા ઓવારા ખાતે તળાવ ફરતે કરેલા પતરાનું બેરિકેટિંગ રાત્રે દૂર કરાયું, પાણી ઓસર્યા બાદ તળાવનું નિરીક્ષણ કરશે
સુરત,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર
સુરતમાં ગણેશ ઉત્સવ પહેલા તાપી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે લોકોને ટેન્શન ઉભુ થયું છે. તાપી નદીમાં છોડાયેલા પાણીના કારણે ગણેશ વિસર્જન માટે ડક્કા ઓવારા ખાતે બનેવાવાયેલા કૃત્રિમ તળાવ તાપીના પાણીમાં ગરક થઈ ગયા છે. હવે તાપી નદીના પાણી ઓસર્યા બાદ તળાવમાં નુકસાન થયું છે કે નહીં તેની ખબર પડશે.
સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી 2.97 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા સુરતીઓના જીવ તાળવે ચોંટ્યા છે. તાપી નદીમાં છોડાયેલા પાણીના કારણે તાપી નદી બન્ને કાંઠે વહેતી થઈ છે. આ પાણી નાવડી ઓવારા અને ડક્કા ઓવારામાં ભરાયા છે. પાલિકાએ ગણેશ વિસર્જન માટે ડક્કા ઓવારા ખાતે કૃત્રિમ તળાવ બનાવ્યા છે તે તળાવ પણ તાપી નદીના પાણીમાં ગરક થઈ ગયા છે.
તાપી નદીમાં પાણીની સપાટીમાં ગઈકાલે રાત્રે વધારો થયો હતો જેના કારણે પાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા કૃત્રિમ તળાવની ફરતે પતરાના બેરીકેટીંગ કરવામાં આવ્યા હતા તેને દુર કરવામા આવ્યા હતા. જોકે, આજે સવાર સુધીમાં પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવ તાપી નદીમાં ગરક થઈ ગયા છે. આ તળાવમાં દોઢ દિવસથી માંડીને દસ દિવસના ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામા આવશે જોકે, હવે પાણી ઉતર્યા બાદ આ તળાવ વિસર્જન પ્રક્રિયામાં ચાલી શકે છે કે નહીં કે કેટલું નુકસાન થયું છે તેની માહિતી મળી શકશે.