દિવાળી પહેલા સરકાર પ્રશ્નો નહીં ઉકેલે તો ઉપવાસ આંદોલન છેડવાની જાહેરાત
રાંધેજામાં આંગણવાડી કાર્યકર મહિલાઓ ઉમટી પડી
ગાંધીનગરની ૯૫૧ આંગણવાડીના કાર્યકર અને તેડાગર મહિલાઓ
દ્વારા હડતાલ શરૃ કરાયાના ૧૦ દિવસે નિરાકરણ નહીં થતાં આક્રોષ
ગાંધીનગર : આંગણવાડીના કાર્યકર અને તેડાગર મહિલાઓને સરકારી કર્મચારીનો દરજ્જો આપવા સહિતની ૧૮ જેટલી માંગણીઓને લઇને સરકાર દ્વારા પ્રતિભાવ નહીં અપાતા અપાયેલા હડતાલના એલાનના ૧૦ દિવસ બાદ પણ કોઇ નિરાકરણ આવ્યું નથી. ત્યારે ગાંધીનગર જિલ્લાની ૯૫૧ આંગણવાડીની કર્મચારી મહિલાઓ દ્વારા રાંધેજામાં એકત્ર થઇને સરકાર દ્વારા દિવાળી પહેલા પ્રશ્નો ન ઉકેલાય તો ઉપવાસ આંદોલન છેડવાની જાહેરાત કરવામાં આવી હતી.
આંગણવાડીના કાર્યકર અને તેડાગર મહિલાઓ દ્વારા રાજ્ય વ્યાપી
હડતાલ કરવામાં આવી છે. પરંતુ સરકારી તંત્ર તરફથી જાણે તેની કોઇ નોંધ લેવામાં આવી
રહી નથી. જેના પગલે ગાંધીનગરના રાંધેજા ગામે યોજવામાં આવેલા વિરોધ કાર્યક્રમમાં
જિલ્લાભરની કર્મચારી મહિલાઓ ઉમટી પડી હતી. જિલ્લા પ્રમુખ સીતાબેને કહ્યું કે
આંગણવાડી કાર્યકરોને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવા ઉપરાંત લઘુતમ વેતન
ધારાનો અમલ, આંગણવાડીનો
સમય સવારે ૧૦થી ૩નો કરવા અને તેના પહેલા કે ત્યાર બાદ કોઇ કામગીરી નહીં સોંપવા, ૪૫ વર્ષની વય
મર્યાદાનો નિયમ રદ કરવા, ખાલી
જગ્યાઓ તાત્કાલીક ભરવા, આઇસીડીએસ
સિવાયની કામગીરી લેવાની પ્રથા બંધ કરવા,
અન્ય ખાતામાંથી આવેલા કાર્યકર્તાની સિનીયોરિટી મુળ નોકરીમાં હાજરથયાની તારીખથી
જ ગણવા, પો*ણસુધાની
કામગીરી અન્ય વિભાગને સોંપવા,
રજીસ્ટર અથવા મોબાઇલ એપ બેમાંથી એક જ પદ્ધતિનો અમલ કરવાની સાથે કાર્યકરોના
પર્સનલ મોબાઇલનો સરકારી કામમાં ઉપયોગ કરવાનો દુરાગ્રહ છોડવા સહિતની માંગણીઓ સરકાર
સમક્ષ કરવામાં આવી છે.
આ ઉપરાંત નોટિસ કે બચાવની તક આપ્યા વગર પગાર કાપની એકતરફી કાર્યવાહી બંધ કરવા અને દર મહિને ૧થી ૮ તારીખ સુધીમાં પગાર કરવાની વ્યવસ્થા ગોઠવવા સહિતની માંગણીઓ સંબંધે દિવાળી પહેલા સરકાર નિર્ણય નહીં લે તો ઉપવાસ આંદોલનના શ્રીગણેશ કરાશે.