MSUના ભરતી કૌભાંડમાં પકડાયેલો આરોપી પોતે પણ ઠગાયો,નોકરીવાંચ્છુઓને શોધી લાવે તો નોકરી મળવાની હતી
વડોદરાઃ એમ એસ યુનિવર્સિટીમાં નોકરી અપાવવાના નામે રૃ.૧.૬૭ કરોડની રકમ ઉઘરાવી ઉમેદવારોને ચૂનો ચોપડવાના કૌભાંડમાં પકડાયેલા આરોપીએ રિમાન્ડ દરમિયાન પોતે પણ નોકરીની લાલચમાં ટોળકીમાં ફસાઇને હાથો બન્યો હોવાનો બચાવ કર્યો હતો.
એમ એસ યુનિ.માં સુપરવાઇઝર,ક્લાર્ક, પ્યુન જેવા હોદ્દા માટે શૈલેષ સોલંકી,રાહુલ પટેલ અને મનિષ કટારાએ અનેક લોકોને ફસાવતાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો.પોલીસની તપાસમાં ઠગોએ ગાંધીનગર, મહીસાગર,મહેસાણા,અમદાવાદ જેવા શહેરોના ૧૫ નોકરીવાંચ્છુઓ પાસેથી કુલ રૃ.૧.૬૭ કરોડ પડાવી લીધા હોવાની વિગતો બહાર આવી હતી.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજા અને ટીમે અગાઉ શૈલેષ અને રાહુલની ધપકડ કરી હતી.જ્યારે બે દિવસ પહેલાં દાહોદના છેતરપિંડીના ગુનામાં પકડાયેલા મનિષ કટારાની પણ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
પોલીસની તપાસમાં મનિષ કટારા ગલ્લાતલ્લા કરી રહ્યો છે અને પોતે બચવા માટે બીજા આરોપીના માથે દોષનો ટોપલો નાંખી રહ્યો છે.મનિષે પોલીસને કહ્યું હતું કે, હું ખુદ નોકરી માટે શૈલેષ અને રાહુલના સંપર્કમાં આવ્યો હતો.મને નોકરી મેળવવા માંગતા હોય તેવા ઉમેદવારોને શોધી લાવવાનું કામ સોંપાયું હતું અને તેના બદલામાં મને પણ નોકરી આપવામાં આવનાર હતી.જો કે પોલીસ તેની વાતમાં વિશ્વાસ કરતી નથી અને તેના બેન્ક એકાઉન્ટ તેમજ કૌભાંડમાં સંડોવણી અંગેના પુરાવા એકત્રિત કરી રહી છે.