વિઝા કૌભાંડમાં સવા બે વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના બહાને ૭.૫૦ લાખ પડાવી લીધા હતા
વડોદરા,ઓસ્ટ્રેલિયા જવા માટે વિઝા અને એર ટિકિટ અપાવવાના બહાને ૭.૫૦ લાખ પડાવી લઇ ફરાર થઇ જનાર આરોપીને સવા બે વર્ષ પછી ડીસીબી પોલીસે ઝડપી પાડયો હતો.
માંજલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ - ૨૦૨૧માં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી જયમીન ભરતભાઇ વ્યાસ ( રહે. આધાર સોસાયટી, વાઘોડિયા રોડ) ને ડીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે તરસાલી મોતી નગર પાસેથી ઝડપી પાડયો હતો. આરોપીએ માંજલપુર ખાતે કાસ્પર ઇન્ટરનેશનલ ઇમિગ્રેશન નામની ઓફિસ શરૃ કરી હતી. દંપતીને વિશ્વાસમાં લઇ ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના બહાને ૭.૫૦ લાખ પડાવી લીધા હતા. વિઝા નહીં અપાવતા આરોપી પાસેથી પૈસાની પરત માંગણી કરવામાં આવી તો તેણે મારવાની ધમકી આપી હતી. ગુનો દાખલ થયા પછી આરોપી મુંબઇ અને દિલ્હી ભાગી ગયો હતો. આરોપી અગાઉ નવસારીમાં પણ વિઝા કૌભાંડમાં પકડાયો હતો.