૮૨ વર્ષના સિનિયર સિટિઝનનું મોત થતા તેમના મૃતદેહનું મેડિકલ કોલેજમાં દાન કરાયું
સિનિયર સિટિઝનના પુત્ર, પત્ની, પૌત્ર અને પુત્રવધૂએ પણ દેહદાનનો સંકલ્પ કર્યો
વડોદરા,મૃતદેહની અંતિમવિધિમાં લાકડાનો ઉપયોગ થાય છે. ત્યારે દેહદાન કરવાથી આપણે મૃત્યુ પછી પણ સમાજને ઉપયોગી થઇ રહીએ છે. પર્યાવરણની જાળવણીના સંકલ્પ સાથે તરસાલી વિસ્તારમાં રહેતા ક્ષત્રિય પરિવારના મોભીના દેહનું દાન બરોડા મેડિકલ કોલેજને કરવામાં આવ્યું છે. આ સાથે તેમના પરિવારના સાત વર્ષના બાળક સહિત ચાર સભ્યોએ પણ આજે દેહ દાનનો સંકલ્પ કર્યો છે.
બનાવની વિગત એવી છે કે, તરસાલી શાંતિનગરમાં રહેતા ચંદ્રકાંતભાઇ કેશવલાલ ક્ષત્રિય ( ઉં.વ.૮૨) દરજી કામ કરતા હતા. તેમણે ૧૦ વર્ષ અગાઉ જ દેહ દાનનો સંકલ્પ કર્યો હતો. તેઓનું અવસાન થતા આજે તેમનો મૃતદેહ બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કરાયો હતો. આ અંગે તેમના પુત્ર પ્રતિકે જણાવ્યું હતું કે, એક મૃતદેહની અંતિમ વિધિમાં લાકડાનો ઉપયોગ થાય છે. એક નાના ઝાડ જેટલા લાકડા અંતિમ વિધિમાં જ વપરાઇ જાય છે. ત્યારે દેહદાન કરવાથી લાકડાની બચત સાથે પર્યાવરણની જાળવણી પણ થાય છે. તેમજ લોકોના જીવ બચાવતા ડોક્ટર્સ ના અભ્યાસ માટે મૃતદેહ અત્યંત ઉપયોગી થઇ રહે છે. આ રીતે આપણે મૃત્યુ પછી પણ સમાજને ઉપયોગી થઇ રહીએ છે.
આજે ક્ષત્રિય પરિવારના ચંદ્રકાંતભાઇના મૃતદેહના દાન પછી તેમના પુત્ર પ્રતિક, પત્ની મંજુલાબેન, ૭ વર્ષના પૌત્ર સુલક્ષ તથા પુત્રવધૂ ફાલ્ગુનીબેને પણ દેહદાનનો સંકલ્પ કર્યો હતો.