બે મહિલાઓએ ચોરીનો આરોપ મુકીને 11 વર્ષની બાળકીને લોખંડના સળિયાથી બેરહેમ માર માર્યો

ગામમાં જ રહેતી યુવતી અને તેની ભાભીએ બાળકીને મોભ સાથે બાંધીને માર મારતા બાળકીની હાલત ગંભીર

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
બે મહિલાઓએ ચોરીનો આરોપ મુકીને 11 વર્ષની બાળકીને લોખંડના સળિયાથી બેરહેમ માર માર્યો 1 - image


વડોદરા : પંચમહાલ જિલ્લાના વેજલપુર તાલુકામાં ૧૧ વર્ષની બાળકીને પડોશી યુવતી અને તેની ભાભીએ બાંધીને લોખંડના સળિયા વડે ક્રુરતા પુર્વક માર મારતા બાળકને વડોદરા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકીના બે હાથ અને પગ ભાંગી ગયા છે. માથામાં ગંભીર ઇજા થઇ છે. બાળકી હાલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે બીજી તરફ આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે કેમ કે વેજલપુર પોલીસ ફરિયાદ નોંધવામાં અખાડા કરી રહી છે. 

બે હાથ, એક પગ અને માથામાં ફ્રેક્ચર, બાળકી એસએસજીમાં સારવાર હેઠળ, ગંભીર હાલત છતાં ફરિયાદ નોંધવામાં પોલીસના અખાડા

નાની ઉમરમાં જ માતાના મૃત્યુ બાદ મામાના ઘરે ૧૧ વર્ષની બાળકી ધો.૬માં અભ્યાસ કરે છે. બાળકીના મામાનું કહેવું છે કે 'મારી ભણી મંગળવારે બપોરે એક દોઢ વાગ્યે હસમુખના ઘર પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે હસમુખની પુત્રી ભુજી (ઉ.૨૫ આશરે) અને હસમુખના પુત્ર નિરજની પત્નીએ તેને રોકી હતી અને ભુજીએ કહ્યું હતું કાલે મારો બર્થ ડે હતો એટલે તને ચોકલેટ આપવાની છે તુ ઘરમાં આવ.

ભાણી તેમના ઘરમાં ગઇ ત્યારે ભુજી અને નિરજની પત્નીએ તેને દોરીથી બાંધી દીધી હતી અને થોડા દિવસ પહેલા તેમના ઘરમાં થયેલી ચોરીનો આરોપી તેના પર મુકીને લોખંડના સળિયાથી બન્ને તૂટી પડી હતી. ૧૧ વર્ષની નિદોર્ષ બાળકીને ભુજી અને તેની ભાભીએ એ હદી મારી કે બે હાથમાં અને એક પગમાં ફ્રેક્ચર થઇ ગયુ. માથામાં પણ લોખંડના સળિયા માર્યા હોવાથી ખોપડીમાં પણ તિરાડ પડી ગઇ છે.મોઢુ સુજી ગયુ છે. ભાણીની હાલત અત્યંત ગંભીર છે. અમે વેજલપુર પોલીસ મથકે  ફરિયાદ નોંધાવા ગયા તો અમને એવુ કહ્યું કે અરજી આપી દો હોસ્પિટલનો રિપોર્ટ આવશે પછી ફરિયાદ નોંધીશું. આરોપી ભુજી અને તેની ભાભીને પણ પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા પરંતુ તેની ધરપકડ કર્યા વગર જ જવા દીધા આજે તેઓ ઘર બંધ કરીને જતા રહ્યા છે.

મોભ સાથે દોરડાથી બાંધીને બાળકી બુમો ના પાડે તે માટે મોઢામાં કપડું ભરાવી દીધું હતું

એસએસજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી ૧૧ વર્ષની બાળકી ઘટનાના ૩૬ કલાક બાદ પણ બેભાન છે. વેજલપુર પોલીસ બુધવારે મોડી સાંજે એસએસજી હોસ્પિટલમાં આવી હતી અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. 

આરોપીએે રીઢા ગુનેગારની જેમ ઘટનાને અકસ્માતમાં ખપાવવા બેભાન વર્ષાને લીમડાના ઝાડ નીચે ફેંકી દીધી હતી

બાળકીના મામાનું કહેવું છે કે 'મારી ભાણી સાથે તેના કાકાની ૬ વર્ષની છોકરી પણ હતી તેને પણ ભુજી અને તેની ભાભીએ માર મારીને ભગાવી દીધી હતી. જ્યારે ભાણીને ઘરમાં મોભ સાથે બાંધીને માર માર્યો હતો. ભાણી બુમો ના પાડી શકે તે માટે તેના મોઢામાં કપડુ ભરાવી દીધું હતું. ભાણી બેભાન થઇ જતા તેને ઘરની પાછલ લીમડાના ઝાડ નીચે ફેંકી દીધી હતી અને તેના પર લીમડાના પાન અને ડાળખા નાખી દીધા હતા. અમને તો અન્ય લોકોએ કહ્યું કે ભાણી ત્યાં બેભાન હાલતમાં પડી છે. ભુજી અને તેની ભાભીએ રીઢા ગુનેગારની જેમ આ ઘટનાને અકસ્માતમાં ખપાવવા માટે લીમડાના પાન ભાણી પર નાખ્યા હતા જેથી કહી શકાય કે તે ઝાડ પરથી પડી ગઇ હતી. 

Google NewsGoogle News