Get The App

જૂની ન્યાયમંદિર ઇમારત ફરતે દબાણો માજી સૈનિક આમલેટની લારીવાળા સહિત ત્રણનો વેપારી પર હુમલો

જૂની કોર્ટ બિલ્ડિંગની ફરતે રાત્રિ પડતાં જ આમલેટની લારીઓ ગોઠવાઇ જાય છે ઃ કેટલીક વખત મારામારીના દ્રશ્યો સર્જાય છે

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
જૂની ન્યાયમંદિર ઇમારત ફરતે દબાણો  માજી સૈનિક આમલેટની લારીવાળા સહિત ત્રણનો વેપારી પર હુમલો 1 - image

વડોદરા, તા.4 શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટરની સામે જૂની ન્યાયમંદિર કોર્ટની દિવાલને અડીને ઊભી રહેલ માજી સૈનિક આમલેટની લારીવાળા તેમજ તેના બે સાગરીતોએ એક વેપારી પર જીવલેણ હુમલો કરી માર માર્યો હતો.

જૂની આરટીઓ પાછળ આવેલી જગદીશપાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા અક્ષય અશોક વલભાણીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં મોસીન શેખ તેમજ અન્ય બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું છે કે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં અશોક ટ્રેડિંગ નામે હું કપડાની દુકાન ધરાવું છું. દુકાને અવરજવર કરવા માટે હું ટુ વ્હિલરનો ઉપયોગ કરું છું. તા.૩ના રોજ બપોરે ઘેરથી દુકાન આવ્યો હતો અને પદ્માવતી શોપિંગ સેન્ટરની સામેના પાર્કિગમાં ટુ વ્હિલર મૂક્યું હતું.

રાત્રે આઠ વાગે મેં દુકાન બંધ કરી ઘેર જવા માટે ટુ વ્હિલર લઇને બહાર નીકળતો હતો ત્યારે માજી સૈનિક આમલેટની લારીવાળા મોસીન શેખે મને ઉશ્કેરાઇને ટુ વ્હિલર મૂકવાની ખબર પડતી નથી? તેમ કહી અપશબ્દો બોલવાનું શરૃ કર્યું હતું અને મને મારી નાંખવાની ધમકી આપી માર માર્યો હતો. દરમિયાન લારી પરનો એક શખ્સ હાથમાં તાવેથો લઇને આવી માથા પર મારવા જતાં મેં હાથ આગળ કરી દેતાં હાથ પર તાવેથો વાગ્યો હતો જ્યારે ત્રીજા શખ્સે આવીને મને ગરદાપાડુ માર માર્યો હતો.

ઉલ્લેખનીય છે કે જૂની ન્યાયમંદિરની ગાયકવાડી સમયની ઇમારતની ચારેબાજુ રાત્રિ પડતાની સાથે જ ઇંડા, નોન વેજ સહિત અન્ય ખાણીપીણીની લારીઓ ગોઠવાઇ જતી હોય છે જેના કારણે અનેક વખત મારામારીના દ્રશ્યો સર્જાતા કાયદો વ્યવસ્થાને અસર થતી હોય છે. ઐતિહાસિક ઇમારત સમાન જૂની ન્યાયમંદિરની દેખરેખ નહી રખાતી હોવાથી તેની આજુબાજુ લુખ્ખા તત્વો અડિંગો પણ જમાવી દેતા હોય છે.




Google NewsGoogle News