યુવા પેઢી ધાર્મિક નથી અને સંસ્કૃતિમાં રસ નથી લેતી તેવી માન્યતા ખોટી
વડોદરાઃ યુવા પેઢી પહેલાની જેમ ધાર્મિક નથી રહી અને સંસ્કૃતિથી દૂર જતી રહી છે તેવી માન્યતા સાવ ખોટી છે તેમ જાણીતા લેખક અમિષ ત્રિપાઠીએ એક વાતચીતમાં કહ્યુ હતુ.
અમિષ ત્રિપાઠીએ ભગવાન શિવજી પર આધારિત ત્રણ પુસ્તકાની સિરિઝ અને રામાયણ સિરિઝના ચાર પુસ્તકો લખ્યા છે અને આ તમામ પુસ્તકો ઘણા લોકપ્રિય બન્યા છે.અમિષે પારુલ યુનિવર્સિટીમાં યોજોયેલા લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.પત્રકાર પરિષદમાં તેમણે અયોધ્યામાં રામ મંદિરમાં થનારી પ્રાણ પ્રતિષ્ઠા અંગે કહ્યુ હતુ કે, મારી જાણકારી પ્રમાણે રામ મંદિરમાં ગર્ભગૃહનુ નિર્માણ થયા બાદ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે છે.તેના માટે આખુ મંદિર બને ત્યાં સુધી રાહ જોવાની જરુર નથી.આ બાબતે મારી દ્રષ્ટિએ વિવાદ હોવો જોઈએ નહીે.
તેમણે કહ્યુ હતુ કે, સમગ્ર ભારત માટે અયોધ્યામાં થનારી પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ યુવા પેઢીને પણ ખાસો પ્રભાવિત કરી રહ્યો છે.જોકે આજની પેઢી પણ ધર્મને એ જ રીતે જૂએ છે જે રીતે જૂની પેઢી જૂએ છે.ખાલી તેમનો ધર્મ અને સંસ્કૃતિ તેમજ પરંપરા પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ અલગ છે.ભગવાન શિવજી પર આધારિત નવલકથા મેં ૨૦૦૯માં લખી ત્યારે મારા પ્રકાશકે પહેલા તો તેને પ્રકાશિત કરવાની ના પાડી દીધી હતી અને કહ્યુ હતુ કે, યંગસ્ટર્સ તો આ વાંચશે જ નહીં પણ હકીકતમાં મારા વાંચકોમાં યુવાઓ જ વધારે છે.આપણે યુવા પેઢી માટે ખોટી ધારણા બનાવી લઈએ છે.જો યુવાઓ રુચિ ના દાખવતા હોત તો સંસ્કૃતિ ટકી જ ના હોત.એમ પણ દરેક પેઢીને પોતાની આગળની પેઢી પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ હેઠળ આવી ગઈ હોવાનુ લાગતુ હોય છે.
અમિષે એમ પણ કહ્યુ હતુ કે, મહાભારત પર પણ હું ભવિષ્યમાં નવલકથા લખીશ.
દિવસના પાંચ પાન પણ વાંચવાનો નિયમ રાખો
વાંચન ઓછુ થવાથી એનાલિસિસ કરવાની ક્ષમતા ખતમ થઈ રહી છે
પારુલ યુનિવર્સિટીના લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપનાર લોકપ્રિય લેખક રવિન્દર સિંઘે કહ્યુ હતુ કે, આજના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ વાંચવા કરતા જુએ છે વધારે અને તેના કારણે તેમની સર્જનાત્મકતા અને એનાલિસિસ કરવાની ક્ષમતા ખતમ થઈ રહી છે.વિદ્યાર્થીઓએ જેમાં પણ રસ પડે તે પ્રકારનુ પુસ્તક વાંચવુ જોઈએ.દિવસના પાંચ પાન વાંચવાનો પણ નિયમ લેવો જોઈએ.
તેમણે કહ્યુ હતુ કે, હું લવ સ્ટોરી પર જ આધારિત નવલકથાઓ લખવા માંગુ છું.કારણકે તેમાં લોકોને પોતાની કહાની અને દુખ દર્દનો અહેસાસ થાય છે.જે તેમને એક પ્રકારે આશ્વાસન આપે છે.સોશિયલ મીડિયા વચ્ચે પણ પુસ્તકો જરુરી છે.કારણકે શબ્દો હંમેશા માટે જીવંત રહેતા હોય છે.
પ્લાન્ટસને ખાવાની જરુર છે, પ્લાન્ટસમાં બનેલા ફૂડને નહીં
ફિટનેસ એક્સપર્ટ અને લેખક વિજય ઠક્કરે કહ્યુ હતુ કે, હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે કારણકે આપણે પ્લાન્ટસથી (શાકભાજી અને ફળો)દૂર થઈ રહ્યા છે અને પ્લાન્ટમાં બનેલા ફૂડ પર વધારે આધાર રાખતા થઈ રહ્યા છે.બીજી તરફ લોકોનુુ જીવન પણ બેઠાડુ થઈ રહ્યુ છે.જેના કારણે હાર્ટ પરનુ પ્રેશર વધી રહ્યુ છે.લાઈફ સ્ટાઈલમાં બદલાવ કરીને શારીરિક પ્રવૃત્તિ વધારવાની જરુર છએ.