કારના કાચ તોડીને સામાન ઉઠાવતી તામિલનાડુની ગેંગના ત્રણ ઝડપાયા
વડોદરા જિલ્લાના ૧૩ ગુનાનો ભેદ ખૂલ્યો ઃ સંખ્યાબંધ ચોરીઓ કરી હોવાની ગેંગના સભ્યોની કબૂલાત
વડોદરા, તા.9 વડોદરા શહેર અને જિલ્લા તેમજ આજુબાજુના જિલ્લામાં હોટલ, રોડ અને બસ સ્ટેશન પાસે પાર્ક કરેલી ફોર વ્હીલ ગાડીઓના કાચ તોડી કિમતી સામાનની ઉઠાંતરી કરતી તામિલનાડુની ટોળકીના ત્રણ સભ્યોને જિલ્લા પોલીસે ઝડપી પાડી ૧૩ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે પાદરામાં ફુલબાગનાકા પાસે એક કેબિનમાંથી પૈસા અને મોબાઇલની ચોરી થઇ હતી જે અંગે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી. આ ચોરીની ફરિયાદ બાદ જિલ્લા એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને મળેલી બાતમીના આધારે જાસપુર ચોકડી પાસેથી મૂળ તામિલનાડુના ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતાં. તેઓની પાસેથી રોકડ અને ત્રણ મોબાઇલ તેમજ કારનો કાચ તોડવાના સાધનો મળ્યા હતાં.
પોલીસે ત્રણેની પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ આવ્યો ન હતો. ત્રણેની ઝીણવટપૂર્વક પૂછપરછમાં પાદરામાં બે દિવસ પહેલાં જ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસની તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે વડોદરા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ પાર્ક કરેલી ગાડીઓ, તેમજ વડોદરા શહેર, નડિયાદ, ખેડાના બસ સ્ટેન્ડ અને પાવાગઢ, ગોલ્ડન ચોકડી, કપુરાઇ ચોકડી વિગેરે સ્થળોએથી પર્સ અને મોબાઇલની ઉઠાંતરી કરી હોવાનું આ પરપ્રાંતિય ગેંગ દ્વારા જાણવા મળ્યું હતું.
વડોદરા જિલ્લામાં કરજણ, ડભોઇ, વરણામા તેમજ અન્ય સ્થળે કરેલી ચોરી સહિત કુલ ૧૩ ગુનાના ભેદ ઉકેલાયા હતાં. આ ગેંગ વડોદરાના રણોલી વિસ્તારમાં રહે છે તેઓ તામિલનાડુથી ટ્રેનમાં વડોદરા આવે અને થોડો સમય ભાડાના મકાનમાં રહીને ચોરીઓ કરી સામાન સાથે તેઓ પરત તામિલનાડુ પરત જતા રહેતા હતાં. પોલીસે ફરાર અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.