વરસાદી પાણીમાં એમ્બ્યુલન્સ ફસાઇ : પોલીસે દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડયો

કાર થાંભલા સાથે અથડાતા મિરરના કાચ દર્દીના ગળામાં ઘુસી જતા ગંભીર ઇજા થઇ હતી

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
વરસાદી  પાણીમાં એમ્બ્યુલન્સ ફસાઇ : પોલીસે દર્દીને હોસ્પિટલ સુધી  પહોંચાડયો 1 - image

વડોદરા,ડભોઇ  રોડ ગણેશ નગર પાસે ગઇકાલે દર્દીને લઇને જતી એમ્બ્યુલન્સ પણ ફસાઇ  ગઇ હતી.  ટ્રેક્ટર સાથે વિસ્તારમાં ફરતા પોલીસ જવાનો તેઓની મદદે આવ્યા હતા. તેઓએ ગળામાં ગંભીર ઇજા પામેલા દર્દીને માંજલપુરની ખાનગી હોસ્પિટલ સુધી સમયસર પહોંચાડતા તેનો જીવ બચી ગયો હતો. 

બનાવની વિગત એવી છે કે, ડભોઇની ઉમા સોસાયટીમાં રહેતો ૨૬ વર્ષનો કુશલ ધર્મેશભાઇ સોની જ્વેલરી શોપ ચલાવે છે. ગઇકાલે કુશલ અને તેનો મિત્ર આકાશ કાર લઇને ડભોઇથી વેગા ચોકડી નાસ્તો કરવા માટે નીકળ્યા હતા. ધોધમાર વરસતા વરસાદમાં તેઓની કાર એક થાંભલા સાથે અથડાતા કુશલને કારના મિરરથી  ગળાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. લોહીલુહાણ હાલતમાં કુશલને સારવાર માટે નજીકી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, આંતિરક ઇજા હોવાના કારણે કુશલને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાની ફરજ પડી હતી. ડભોઇથી એમ્બ્યુલન્સમાં કુશલને માંજલપુરની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવતો  હતો. પરંતુ, વરસાદી પાણીએે સર્જેેલા જળ બંબાકારના કારણે ડભોઇ રોડ ગણેશ નગર  પાસે એમ્બ્યુલન્સ ફસાઇ  ગઇ હતી. જેના કારણે કુશલ અને તેનો મિત્ર આકાશ મુસીબતમાં મૂકાઇ ગયા હતા.

વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને રેસક્યૂ કરવા નીકળેલા પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.એમ. વ્યાસની નજર ફસાયેલી એમ્બ્યુલન્સ પર પડતા તેઓ નજીક ગયા હતા. આકાશે પોતાના મિત્રની ગંભીર હાલત અંગે જાણ કરી હતી. ટ્રેક્ટર અને પી.સી.આર. વાન લઇને નીકળેલા પોલીસ સ્ટાફે બનાવની ગંભીરતા જોઇ તાત્કાલિક દર્દી કુશલને હોસ્પિટલમાં પહોંચાડયો હતો. સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો.


જો મોડું  થયું હોત તો દર્દીનો જીવ જોખમમાં મૂકાઇ જાત : ડોક્ટર

વડોદરા,દર્દીની સારવાર કરનાર ડોક્ટરે જણાવ્યું હતું કે, દર્દીને જ્યારે સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ગંભીર હતી. ગળામાંથી જતી લોહીની નસને નુકસાન થયું હોવાથી આંતિરક રક્ત સ્ત્રાવ વધારે હતો. દર્દીને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઇ જઇ સર્જરી કરવામાં આવી હતી. હાલમાં દર્દીની હાલત સ્ટેબલ છે. પરંતુ, જો દર્દીને હોસ્પિટલમાં મોડો લાવવામાં આવ્યો હોત તો તેનો જીવ જોખમમાં મૂકાઇ જાત.


Google NewsGoogle News