યુનિ.ને મળેલી એમ્બ્યુલન્સ ડ્રાઈવરના અભાવે એક મહિનાથી પડી રહી છે

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
યુનિ.ને મળેલી એમ્બ્યુલન્સ ડ્રાઈવરના અભાવે એક મહિનાથી પડી રહી છે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીને સીએસઆર(કોમ્યુનિટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) હેઠળ ઈન્ડસ્ટ્રી તરફથી મળેલી એમ્બ્યુલન્સ ડ્રાઈવરના અભાવે છેલ્લા એક મહિનાથી એમની એમ જ પડી રહી છે.

યુનિવર્સિટીમાં ૫૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે યુનિવર્સિટીને આટલા વર્ષોમાં પહેલી વખત પોતાની એમ્બ્યુલન્સ મળી છે પણ હજી સુધી ડ્રાઈવરની નિમણૂંક જ કરવામાં આવી નથી.

મળતી વિગતો પ્રમાણે આ એમ્બ્યુલન્સને યુનિવર્સિટીના હેલ્થ સેન્ટરને સંચાલન માટે સોંપવામાં આવી છે.જેથી યુનિવર્સિટી કેમ્પસમાં ક્યારે પણ કોઈ અણધારી ઘટના બને તો વિદ્યાર્થીઓ તથા પ્રોફેસર અને કર્મચારીઓને તરત મદદ પહોંચાડી શકાય.

જોકે યુનિવર્સિટીના સૂત્રોનુ કહેવુ છે કે, મોટા ઉપાડે વાઈસ ચાન્સેલર સાથે એમ્બ્યુલન્સના લોકાર્પણનુ ફોટો સેશન તો કરવામાં આવ્યુ હતુ પણ આ એમ્બ્યુલન્સ હવે હેલ્થ સેન્ટરમાં શોભાના ગાંઠિયાની જેમ પડી છે.કારણકે હજી સુધી તેને ચલાવવા માટેના ડ્રાઈવરની નિમણૂંક કરવામાં આવી નથી.

સૂત્રોના કહેવા પ્રમાણે યુનિવર્સિટી કેમ્પસની આસપાસ બે ૧૦૮ એમ્બ્યુલન્સ મોટાભાગે પાર્ક થયેલી હોય છે.બે દિવસ પહેલા પણ કોમર્સ ફેકલ્ટીમાં એક વિદ્યાર્થિનીને ખેંચ આવી ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.કારણકે ડ્રાઈવર નહીં હોવાથી યુનિવર્સિટીને મળેલી એમ્બ્યુલન્સ કામમાં આવી નહોતી.ખરેખર તો વાઈસ ચાન્સેલર દ્વારા એમ્બ્યુલન્સ લોકાપર્ણ કરાતાની સાથે જ ડ્રાઈવરની નિમણૂંક પણ થઈ જવી જોઈતી હતી.બીજી તરફ હેલ્થ સેન્ટરના સૂત્રોએ કહ્યુ હતુ કે, ડ્રાઈવરની પસંદગીની અને બીજી કાર્યવાહી થઈ ચુકી છે.માત્ર હવે નિમણૂંકના ઓર્ડર પર વાઈસ ચાન્સેલરની સહી બાકી છે.બે થી ત્રણ દિવસમાં એમ્બ્યુલન્સ કાર્યરત થઈ જશે.



Google NewsGoogle News