હવામાન શાસ્ત્રી અંબાલાલે ચિંતા વધારી : વડોદરામાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી જશે, તારીખ 7 થી 14 જૂન વચ્ચે વરસાદ થશે
Rain Forcast : હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વડોદરાવાસીઓ માટે ચિંતા વધારી દે તેવી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં વડોદરામાં તાપમાનનો પારો 44થી 45 ડિગ્રી સુધી જઈ શકે છે. ત્યારે હવે શહેરીજનોએ આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે.
જાણીતા ભૂસ્તર શાસ્ત્રી અંબાલાલ પટેલની અનેક આગાહીઓ સાચી પડી પડતી હોય છે. ત્યારે તેમણે જણાવ્યું છે કે, મધ્ય ગુજરાતમાં ખાસ કરીને વડોદરા અને આણંદમાં તાપમાનનો પારો ઊંચો જઈ શકે છે. તારીખ 24 અથવા 25 મે દરમિયાન મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 44થી 45 ડિગ્રીએ પહોંચી જશે. તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પણ પહોંચવાની ધારણા છે. જેથી આખરી ગરમી પડશે. તેમણે એમ પણ જણાવ્યું કે, આગામી તારીખ 26 મેથી 4 જૂન દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેલી છે. રોહિણી નક્ષત્રના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તારીખ 26થી 4 જૂન દરમિયાન વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને મહેસાણા, વિસનગર, વડનગર, પાલનપુર, વાવ, થરાદમાં હવામાનમાં ફેરફાર આવી શકે છે. તેમણે એમ પણ ઉમેર્યું કે આ વખતે ચોમાસુ ગુજરાતમાં વહેલું આવી શકે છે. તારીખ 7થી 14 જૂન વચ્ચે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તા.24 મે સુધીમાં અંદમાન ટાપુ પર ચોમાસું બેસી જશે. સાથે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત પણ સર્જાઈ શકે તેમ જણાવતા તેમણે કહ્યું કે, તા.28 મેથી ભારતના દક્ષિણ છેડે વરસાદ આવી શકે છે. તા.17થી 24 જૂને ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે તેવી તેમણે આગાહી કરી છે.