મહેન્દ્ર પટેલના શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે સંપર્કોની પણ તપાસ
શાળાઓ પાસેથી આરટીઆઈ કરીને કરોડો રૃપિયાનો તોડ કરનાર
મહેન્દ્ર પટેલને માહિતી વિભાગમાંથી જ આપવામાં આવતી હોવાની શક્યતાને પગલે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ શરૃ
સુરતમાં આવેલી અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓની માધ્યમિક શિક્ષણ બોર્ડમાં
આરટીઆઇ કરીને વિગતો મેળવ્યા બાદ આ સંસ્થાઓના સંચાલકો પાસેથી કરોડો રૃપિયાનો તોડ કરનાર
ગાંધીનગરના સેક્ટર ૭ના મહેન્દ્ર પટેલની સીઆઇડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી
અને ત્યારબાદ એક પછી કેમ અત્યાર સુધીમાં ચાર જેટલા ગુના તેની સામે દાખલ કરવામાં આવ્યા
છે. ગુના દાખલ થયા તે પ્રમાણે અત્યાર સુધીમાં દોઢ કરોડ રૃપિયા જેટલો તોડ તેણે આ સંસ્થાઓ
પાસેથી કર્યો હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે આ તોડકાંડમાં તેની સાથે અન્ય વ્યક્તિઓની
મીલીભગતની પણ તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને શાળાઓને ખોટા બનાવટી દસ્તાવેજોથી
માન્યતા આપવામાં આવી છે તેવી વિગતો વિભાગના જ અધિકારી કર્મચારીઓ જાણતા હોય છે અને આ
વિગતો મહેન્દ્ર પટેલ પાસે કેવી રીતના પહોંચી તે પણ એક તપાસનો વિષય છે. જેથી આ તોડકાંડમાં
શિક્ષણ વિભાગના કેટલાક અધિકારી કર્મચારીઓની સંડોવણી હોવાની પૂરેપૂરી શક્યતા જોવામાં
આવી રહી છે. પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા તેના ફોનની ડિટેઇલ પણ મંગાવવામાં આવી
છે અને તેનો અભ્યાસ કરી તેના સંપર્કો શિક્ષણ વિભાગમાં કોની કોની સાથે હતા તેનો તલસ્પર્શી
અભ્યાસ કરવામાં આવી રહ્યો છે ત્યારબાદ આ કેસમાં પોલીસ આવા અધિકારી કર્મચારીઓને પણ પકડે
તો નવાઈ નહીં.