Get The App

માથાભારે અલ્પુ સિન્ધી વચગાળાના જામીન પર છૂટીને ફરાર થતા પોલીસની દોડધામ

નામચીન બૂટલેગર લાલુ સિન્ધી પર ફાયરિંગ કર્યુ હતું : ચકચાર ભર્યા બળાત્કાર કેસમાં પણ તેનું નામ ઉછળ્યું હતું

Updated: May 25th, 2024


Google NewsGoogle News
માથાભારે અલ્પુ સિન્ધી વચગાળાના જામીન પર છૂટીને ફરાર થતા પોલીસની દોડધામ 1 - image

વડોદરા, નામચીન બૂટલેગર લાલુ સિન્ધી પર ફાયરિંગ કરવાના કેસ સહિત અન્ય ગુનાઓનો ભૂતકાળ ધરાવતો અલ્પુ સિન્ધી હાઇકોર્ટના ઓર્ડરથી વચગાળાના  જામીન પર છૂટયા  પછી ફરાર થઇ જતા જેલ સત્તાવાળા દ્વારા પોલીસ કમિશનર કચેરીને લેખિતમાં જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ બળાત્કારના  એક કેસમાં પણ તેનું નામ ઉછળ્યું હતું.

વારસિયા સંતકંવર કોલોનીમાં રહેતા અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાઘવાણીની સામે વર્ષ - ૨૦૧૪ માં કિશનવાડી પોલીસ સ્ટેશનમાં  હત્યાની કોશિશનો ગુનો દાખલ થયો હતો. વારસિયાના જ નામચીન  બૂટલેગર અને હાલમાં પાસા ભોગવતા લાલુ સિન્ધી પર તેને ફાયરિંગ કર્યુ હતું. હાલમાં લાલુ સિન્ધીને હાર્ટની તકલીફ થતા હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હત્યાની કોશિશના ગુનામાં અલ્પુ સિન્ધી નડિયાદ જેલમાં  હતો. ત્યાંથી ગત તા.૧૩ - ૦૫ - ૨૦૨૨ ના રોજ તે વડોદરા જેલમાં શિફ્ટ થયો હતો. ત્યારબાદ તે વડોદરા જેલમાં જ  હતો. હાઇકોર્ટના ઓર્ડરના આધારે ગત તા.૧૬ મી મે ના રોજના  હુકમના આધારે અલ્પુને સાત દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. અલ્પુને તા. ૨૪ મી ના રોજ સાંજે પાંચ વાગ્યે જેલમાં હાજર થવાનું હતું. પરંતુ, તે  હાજર નહીં થતા જેલ સત્તાવાળા દ્વારા આ અંગે પોલીસ કમિશનર કચેરીમાં લેખિતમાં જાણ કરવામાં આવી છે. તેને તાત્કાલિક પકડી  હાજર કરવા યોગ્ય કાર્યવાહી માટે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અલ્પુ સિન્ધી ફરાર થઇ જતા ફરીથી કોઇ કાંડ સર્જાય તેવી ચર્ચાઓ શરૃ થઇ છે. જેના કારણે પોલીસે તેને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.



બૂટલેગર લાલુ સિન્ધીની જેમ 

સુનિલ ઉર્ફે અદો પણ પોલીસને  હાથ તાળી આપી રવાના

પોલીસ  પાસા હેઠળ અટકાત કરવા પહોંચે તે પહેલા જ જતો રહ્યો 

વડોદરા,થોડા સમય પહેલા જામીન પર છૂટયા પછી પોતાની પાસા હેઠળ અટકાયત થશે તેવી દહેશતથી બૂટલેગર લાલુ સિન્ધી નાટયાત્મક રીતે ફરાર થઇ  ગયો હતો. ત્યારબાદ શહેર પોલીસે દોડધામ કરીને તેને ઝડપી પાડી પાસા  હેઠળ અટકાયત કરી હતી. લાલુ સિન્ધી સાથે તેનો સાગરિત સુનિલ ઉર્ફે અદો  પણ બાપોદ પોલીસ સ્ટેશનના ગુનામાં સામેલ  હતો. પોતાની પણ પાસા  હેઠળ અટકાયત થશે તેવી સુનિલ ઉર્ફે અદાને દહેશત  હતી. તે પણ લાલુની જેમ  રાજસ્થાનના  ગુનામાં જામીન પર છૂટીને જતો રહ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરાના ગુનામાં જામીન મળ્યા  પછી તેને ઓર્ડર રજૂ કર્યો નહતો. રાજસ્થાન પોલીસ  તેને પકડી ગયા પછી અહીંયાના ગુનાના ઓર્ડરની કોપી જેલમાં રજૂ કરી હતી. બીજી તરફ રાજસ્થાનના ગુનામાં જામીન પર છૂટે અને વડોદરા પોલીસ ત્યાં  પહોંચે ત્યાર પહેલા જ તે રવાના થઇ ગયો હતો. લાલુ સિન્ધીને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડયો હતો. ત્યારે હવે સુનિલ ઉર્ફે અદાને પણ શોધવા માટે પોલીસની ટીમ  દોડતી થઇ ગઇ છે.



વચગાળાના જામીન પર છૂટીને ભાગી ગયેલો આનંદ કહાર ઝડપાયો

 વડોદરા,દારૃના ધંધામાં સંડોવાયેલા કિશનવાડીનો બૂટલેગર આનંદ કિશનભાઇ કહારની  પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. કોર્ટમાંથી વચગાળાના જામીન લઇને મુક્ત થયા પછી આનંદ કહાર ભાગી ગયો હતો. દરમિયાન પીસીબી પી.આઇ. એસ.ડી. રાતડાએ મળેલી માહિતીના આધારે તેના ઘરેથી ઝડપી પાડયો છે.આનંદ કહાર સામે પ્રોહિબિશન, મારામારી સહિતના ૧૯ ગુનાઓ દાખલ થયા હતા.


અલ્પુને નિલુ સિન્ધી સાથે પણ માથાકૂટ થઇ હતી

વડોદરા,માથાભારે અલ્પુ સિન્ધીને અગાઉ લાલુ સિન્ધી અને નિલુ સિન્ધી સાથે  પણ માથાકૂટ થઇ હતી. તે અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ અન્ય એક કિસ્સામાં પિતા - પુત્રના માફી માંગતા વીડિયો ઉતારી વાયરલ થયા હતા. તેની પાછળ પણ અલ્પુ સિન્ધીની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. અલ્પુ સિન્ધી ઝડપથી નહીં પકડાય તો ફરીથી કોઇ કાંડ થાય તેવી શક્યતા છે.


Google NewsGoogle News