Get The App

શૈશવ સ્કૂલના વાલીઓના આક્ષેપો, બાળકોને શારીરિક અને માનસિક રીતે હેરાન કરાય છે

Updated: Jun 25th, 2022


Google NewsGoogle News
શૈશવ સ્કૂલના વાલીઓના આક્ષેપો,  બાળકોને શારીરિક અને માનસિક રીતે હેરાન કરાય છે 1 - image

 વડોદરાઃ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી શૈશવ સ્કૂલમાં વાલીઓના એક જૂથે સ્કૂલના સત્તાધીશો પર પ્રી પ્રાઈમરી સ્કૂલમાં ભણતા બાળકોને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાનો ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.આ સંદર્ભમાં વાલીઓના એક જૂથ દ્વારા ગોત્રી પોલીસ મથકમાં એક અરજી પણ આપવામાં આવી છે.જેના આધારે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

પંદર જેટલા વાલીઓએ પોલીસ સમક્ષ કરેલી અરજીમાં કહ્યુ છે કે, સ્કૂલ દ્વારા અમને સ્કૂલમાં કયા પ્રકારની એક્ટિવિટી કરાવાય છે, કેવુ જમવાનુ આપવામાં આવે છે અને શિક્ષકો કેટલા છે ..જેવી કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી.ઉલટાનુ સ્કૂલ દ્વારા બાળકોને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે.એક ક્લાસના બાળકોને મેદાનમાં લઈ જવાય તો બીજા ક્લાસના બાળકોને રુમમાં પૂરી રાખવામાં આવે છે.બાળકોને જે જમવાનુ આપવામાં આવે છે તે પણ યોગ્ય ગુણવત્તાવાળુ નથી, કારણકે ઘણા બાળકો ઘરે આવીને ઉલટી કરે છે અને કેટલાક બીમાર પણ પડી ગયા છે.જમતી વખતે બાળકોનુ જમવાનુ લઈ લેવાયુ હોવાના અને બાથરુમમાં પાણી બંધ થઈ ગયુ હોવાના કિસ્સા પણ બન્યા છે.એક બાળકને શિક્ષકે ચૂંટણી ખણતા તેના શરીર પર નિશાન થઈ ગયા હતા. ઉપરાંત સ્કૂૂલ દ્વારા ચોક્કસ જગ્યાએથી યુનિફોર્મ અને શૂઝ ખરીદવા માટે ફરજ પાડવામાં આવી રહી છે.વાલીઓ પૈકીના એક રાજેશભાઈએ કહ્યુ હતુ કે, ગઈકાલે અમે ત્રણ કલાક સ્કૂલની બહાર ઉભા રહ્યા પણ સ્કૂલે અમને સાંભળ્યા નહોતા.આખરે અમે પોલીસને જાણ કરી હતી.પોલીસ આવ્યા બાદ પણ વાલીઓ સાથે મિટિંગ યોજવા માટે સ્કૂલ સંચાલકો તૈયાર થયા નહોતા.મેં સ્કૂલ સંચાલકોે પાસે જાણકારી માંગી છે પણ મારા ઈ- મેલનો સ્કૂલ સત્તાધીશોએ આજ સુધી જવાબ આપ્યો નથી.અમે આ મામલે સોમવારે ડીઈઓ અને કલેકટર સમક્ષ રજૂઆત કરીશું. હવે અમે અમારા બાળકોને આ સ્કૂલમાં મોકલવા માટે તૈયાર નથી.

તમામ આક્ષેપો ખોટા છે, વાલીઓની રજૂઆત સાંભળવા પણ તૈયાર છે 

બાળકોને જે ભોજન આપવામાં આવે છે તે જ ભોજન સ્કૂલના સ્ટાફને પણ આપવામાં આવે છે

દરમિયાન સ્કૂલના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરે વાલીઓના જૂથ દ્વારા થયેલા તમામ આક્ષેપોને ફગાવી દેતા કહ્યુ હતુ કે, બે વર્ષ બાદ માંડ સ્કૂલો શરુ થઈ છે..નવુ સત્ર શરુ થયે હજી ૧૦ જ દિવસ થયા છે.અમે શું કામ બાળકો સાથે એવુ વર્તન કરીએ કે, બાળકો ભણવા માટે ના આવે?અમે વાલીઓને મળવાની ના નથી પાડી પણ ગઈકાલે સ્કૂલ ચાલુ હોવાથી વાલીઓને વારા ફરથી મળવા માટે કહ્યુ હતુ.કોઈ પણ વાલીને કોઈ ફરિયાદ કરવી હોય તો સ્કૂલમાં અમને મળી શકે છે.એક-બે વાલી એવા છે જે બીજા વાલીઓને ઉશ્કેરી રહ્યા છે.ભોજનની ગુણવત્તાની વાત છે તો બાળકોને જે ભોજન પીરસવામાં આવે છે તે જ સ્કૂલના સ્ટાફને પણ આપવામાં આવે છે.



Google NewsGoogle News