વડોદરા વકીલ મંડળની ચૂંટણીમા ચૂંટણી અધિકારીઓ સામે આક્ષેપોથી બબાલ
આક્ષેપો કરનાર વકીલે માફી માગ્યા બાદ ખોરંભે પડેલી મતગણતરી શરૃ થઇ
વડોદરા : વકીલ મંડળની ચૂંટણીમાં શુક્રવારે મોડી રાત્રે પ્રમુખ સહિત ચાર પદો માટેના પરિણામ જાહેર થયા બાદ મેનેજિંગ કમિટીના પદ માટે ઉમેદવારી કરનાર એક વકીલે ચૂંટણી કમિશનર અને ચૂંટણી અધિકારી સામે આક્ષેપો કરતા ભારે હોબાળો મચી ગયો હતો અને ચૂંટણી અધિકારીઓ ઉપરાંત તમામ વકીલો પણ રોષે ભરાયા હતા જે બાદ આજે આક્ષેપો કરનાર વકીલે ચૂંટણી અધિકારીઓની જાહેરમાં માફી માગતા મામલો થાડે પડયો હતો.
વાઇસ પ્રેસિડેન્ટ પદે ધર્મશ પટેલ અને લાયબ્રેરી સેક્રેટરી પદે રવિરાજ ગાયકવાડનો વિજય
મેનેજિંગ કમિટીના પદ પર ઉમેદવારી કરનાર વકીલ ભાવીન વ્યાસે ચૂંટણી કમિશનર કેદાર બીનીવાલે અને ચૂંટણી અધિકારી હિતેશ પટેલ સામે આક્ષેપો કર્યા હતા કે પૈસા લઇને ચૂંટણી થાય છે. અધિકારીઓ પપેટ છે. આ આક્ષેપોથી ચૂંટણી અધિકારીઓ અકળાયા હતા અને આજે બાકી રહેલા પદો પરની ચૂંટણીની મતગણતરી અટકાવી દીધી હતી તથા માગ કરી હતી કે ભાવીન વ્યાસ જ્યાં સુધી આક્ષેપો સાબીત નહી કરે ત્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા હવે આગળ નહી વધે. આ દરમિયાન અન્ય વકીલો પણ ચૂંટણી અધિકારીના સમર્થનમાં આવી ગયા હતા અને ભારે રોષ વ્યક્ત કરતા ભાવીન વ્યાસ આક્ષેપો સાબીત કરી શક્યા નહતા અને આવેશમાં આવીને આધાર વગર જ આક્ષેપો કર્યા હતા તેમ કહીને જાહેરમાં માફી માગી હતી. ઉલ્લેખનીય છે કે ભાવીન વ્યાસ અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યા છે અને જે તે સમયે ગોત્રી પોલીસે અટકાયત પણ કરી હતી.
આ વિવાદના પગલે આજે સવારે જે મતગણતરી શરૃ થવાની હતી તે સાંજે ૫ વાગ્યા બાદ શરૃ થઇ હતી. જો કે ગત મોડી રાત્રે સંપન્ન થયેલી મતગણતરી બાદ વાઇસ પ્રેસિડેન્ટ પદે ધર્મેશ પટેલ, લાયબ્રેરી સેક્રેટરી પદે રવિરાજ ગાયકવાડ અને મેનેજિંગ કમિટીને બે લેડી રિઝર્વ સીટ પર ધૃપ્તિ ત્રિવેદી તથા કોમલ બ્રહ્મભટ્ટને વિજેતા જાહેર કરાયા હતા.
મેનેજિંગ કમિટીના વિજેતા ઉમેદવારો
૧) ઉન્નતિ પરમાર
૨) સિધ્ધાર્થ પવાર
૩) કોમલ પટેલ
૪) વિરાજ પટેલ
૫) દિશાંત જોષી
૬) કેવલ ખરાદી
૭) જિગ્નેશ બારોટ
૮) રોમિન ઠક્કર
૯) ધવલ પટેલ
૧૦) દિપલ બ્રહ્મભટ્ટ