ખાનગી એજન્સીની કામગીરી વીજ કર્મચારીઓ પાસે કરાવાતી હોવાનો આક્ષેપ
આર્થિક કૌભાંડની પણ આશંકા : ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળે MGVCL ના એમ.ડી.ને રજૂઆત કરી
વડોદરા : મધ્યગુજરાત વીજ કંપનીમાં વિવિધ કામગીરી માટે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ પધરાવી દેવાયો છે. એજન્સીઓને જે કામગીરી સોંપવામાં આવી છે તે કામગીરી એજન્સીના કર્મચારીઓ પાસે કરાવવાના બદલે વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ વીજ કંપનીના કર્મચારીઓ પાસે આ કામગીરી કરાવતા હોવાનો ગંભીર આક્ષેપ 'ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ'ના જનરલ સેક્રેટરી રાજુ ખત્રીએ લગાવ્યો છે.
જીવીટીકેએમના હોદ્દેદારો આજે એમજીવીસીએલના એમ.ડી.ને મળ્યા હતા અને આ બાબતે રજૂઆત કરી છે કે ડોમેસ્ટિક કનેક્શનની લો ટેન્શન લાઇનમાં જો ફોલ્ટ સર્જાય તો તેના સમારકામ માટે 'ફોલ્ટ રેક્ટિફિકેશન ટીમ' (એફઆરટી) બનાવવામાં આવી છે અને આ એફઆરટીની કામગીરી ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે. પરંતુ ફોલ્ડ થાય ત્યારે ખાનગી એજન્સીના માણસોને દોડાવાના બદલે વીજ કંપનીના ટેકનિકલ સ્ટાફને દોડાવવામાં આવે છે. કોન્ટ્રાક્ટની મલાઇ એજન્સી ખાય અને વીજ કંપનીના કર્મચારીઓ મજૂરી કરે એવો હાલ ઉભો થયો છે.
વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર નાખવા માટે પણ ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે. પરંતુ ખાનગી એજન્સીના બદલે વીજ કંપનીના કર્મચારીઓને જ સ્માર્ટ મીટર નાખવા માટે મોકલવામાં આવે છે કેમ કે સ્થળ ઉપર જતાં જ લોકોના આક્રોશનો સામનો કરવો પડે છે. આજે સુભાનપુરા વિસ્તારમાં સ્માર્ટ મીટર નાખવા માટે વીજ કંપનીના કર્મચારીઓને જ મોકલવામા આવ્યા હતા. આ પ્રકરણમાં આર્થિક કૌભાંડની પણ શંકા ઉપજી રહી છે તેમ રાજુ ખત્રીએ આક્ષેપો કરતા ઉમેર્યુ હતું.