નિવૃત્ત પોલીસ જવાનને પી.આઇ.એ ધક્કો મારતા ફરિયાદ
પી.આઇ. એ આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું
વડોદરા,પોલીસ કમિશનરની ઓફિસની બહાર ઉભેલા નિવૃત્ત પોલીસ જવાનને પી.આઇ.એ ધક્કો મારી અપમાનિત વર્તન કર્યુ હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે.
વાસણા રોડ પર શાંતિપાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ જવાન વિજયસિંહ બી. ચૌહાણે પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે, હું પોલીસ કંટ્રોલ રૃમમાંથી ગત ૩૦ મી જૂને રિટાયર્ડ થયો હતો. નિવૃત્તિ પછી મને મળવાપાત્ર આર્થિક લાભો નહીં મળતા ગત તા. ૮ મી ઓક્ટોબરે હું પોલીસ કમિશનર કચેરીમાં ગયો હતો. મને ડીસીપી વહીવટ દ્વારા પોલીસ કમિશનર કચેરીની બહાર ઉભા રાખવામાં આવ્યા હતા. સ્ટાફના કેટલાક જવાનો મળતા તેઓ મારી સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન પી.આઇ. એન.એફ. સિદ્દીકી મારી પાસે આવીને કોઇપણ કારણ વગર મને ગમે તેમ બોલવા લાગ્યા હતા. મેં તેઓને તેમ નહીં બોલવા કહ્યું હતું. તેઓએ મને ગાળો બોલી ધક્કો માર્યો હતો.તેઓએ મને પોલીસ કર્મચારી સાથે બોલાચાલી કરવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. સ્ટાફના માણસોએ દરમિયાનગીરી કરતા પી.આઇ.ત્યાંથી જતા રહ્યા હતા. આ અંગે પી.આઇ. એ જણાવ્યું હતું કે, વિજયસિંહ રસ્તા વચ્ચે ઉભા હોઇ મેં તેઓને વેઇટિંગ રૃમમાં બેસવા કહ્યું હતું. તેમણે કરેલા આક્ષેપો ખોટા છે.