ગ્રીન એનર્જી આધારિત ગ્રીન વોર્ડ બનાવાશે કોઈ એક વોર્ડની તમામ સ્ટ્રીટ લાઈટ સોલરમાં તબદીલ કરાશે
સ્ટ્રીટ લાઈટના થાંભલા શોર્ટપ્રુફ પેઈન્ટ કરાશે ભાયલીમાં લિનિયર પાર્ક પણ બનાવાશે
વડોદરા.વડોદરા કોર્પોરેશનમાં વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટને સમગ્ર સભામાં મંજૂરી માટે મુક્તા સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષે ભાવિ આયોજન અંગે વિગતો આપતા કહ્યું હતું કે, કોર્પોરેશન આજવા ખાતે સફારી પાર્ક વિકસાવશે. ગાજરાવાડી ખાતે ૨૦૦ કરોડના ખર્ચે નવો ૧૩૦ એમએલડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા આયોજન છે.
૧૧ કરોડના ખર્ચે નેશનલ હાઈવેને સમાંતર એલ એન્ડ ટી થી વાઘોડિયા જંકશન સુધી વરસાદી ગટર ચેનલનું આયોજન હાથ પર લેવાયું છે. ઘન કચરાના સોર્સ સેગ્રિગેશન માટે શહેરમાં ૬૦૦ જેટલા હેગિંગ ડસ્ટબીન મૂકવામાં આવશે. શહેરના બસ સ્ટેન્ડ ઉપર સોલર તથા કોર્પોરેશનની બિલ્ડીંગો ઉપર નવા રૃફટોપ સોલર સાથે ૧૫ કરોડના ખર્ચે સોલર ટ્રી લગાવશે. કોર્પોરેશનના કોઈપણ એક વોર્ડના સ્ટ્રીટ લાઈટને સોલર સ્ટ્રીટ લાઈટમાં તબદીલ કરી ગ્રીન એનર્જી આધારિત ગ્રીન વોર્ડ પાંચ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન છે. કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટના થાંભલા ઉપર શોર્ટ પ્રૂફ પેઈન્ટિંગ કરવામાં આવશે.
મકરપુરામાં નવો સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે, અને ૨૫૦ સીટનું નવું નગર ગૃહ પણ ઊભું કરવામાં આવશે. શહેરના પ્રત્યેક ઝોનમાં મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટે બનાવવા તેમજ ભાયલી કેનાલ ફ્રન્ટ એટલે કે લિનિયર પાર્ક બનાવવાનું પણ આયોજન છે. શહેરમાં ૨૦ નવા બગીચા અને ચાર પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. આજવામાં સફારી પાર્ક બનાવવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા આ પ્રોજેક્ટનો લેઆઉટ પ્લાન મંજૂર કરેલો છે. આજવા સફારી પાર્ક સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયની જેમ તબક્કાવાર વિકસાવવામાં આવશે. અગાઉ મ્યુનિસિપલ બોન્ડ દ્વારા ૧૦૦ કરોડ રૃપિયા ઉઘરાવવામાં આવ્યા છે, અને બાકીના ૧૦૦ કરોડ ટૂંક સમયમાં ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ દ્વારા ઉઘરાવવામાં આવશે. વડોદરા કોર્પોરેશન દ્વારા આ છેલ્લા દસ વર્ષમાં લગભગ ૬,૮૦૦ કરોડના કેપિટલના કામો થયેલા છે. જેના માટે કોર્પોરેશનની નિભાવણી ખર્ચમાં વધારો થતા આવકના સાધનો મર્યાદિત હોવાથી ગ્રાન્ટ મળે તે માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવી આવશ્યક છે.