Get The App

જૈન સમાજના આક્રોશથી યુધ્ધના ધોરણે કામગીરી પાવાગઢમાં હટાવાયેલી તમામ ૧૯ જૈન મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરાઇ

આગળનો દરવાજો પણ ખોલી નંખાયો, જીર્ણોધ્ધાર કરી પૂજા અર્ચના કરવાની પણ તંત્રે છૂટ આપી

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
જૈન સમાજના આક્રોશથી યુધ્ધના ધોરણે કામગીરી   પાવાગઢમાં હટાવાયેલી તમામ ૧૯ જૈન મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરાઇ 1 - image

હાલોલ તા.૧૮ સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ પર થઇ રહેલાં વિકાસ કામો સંદર્ભે સીડી તોડવાની કામગીરી સમયે સીડીની બંને બાજુના ગોખલાઓમાં આવેલી જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓને હટાવવા થયેલી તોડફોડ બાદ રવિવારથી ગુજરાતભરમાં જૈન સમાજમાં ઉઠેલા ભારે વિરોધ પ્રત્યાઘાત બાદ હટાવાયેલી પ્રતિમાઓની પુનઃ સ્થાપનાની કામગીરી કરવાની ફરજ તંત્રને પડી હતી. આ અંગે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની સાથે સાથે જ આજે ઢળતી સાંજ સુધીમાં ખંડિત તેમજ ઉખેડી નાંખવામાં આવેલી તમામ ૧૯ પ્રતિમાઓને પુનઃ સ્થાપિત કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર માતાજીના દર્શને જવા માટેના જૂના પગથિયા શક્તિ દ્વાર પાસે કોઇ અજાણ્યા શખ્સો દ્વારા જૈન સમુદાયના નેમીનાથ ભગવાનની પ્રતિમાઓને નુકસાન પહોંચાડી તેને ઉખેડી નાંખી બાજૂમાં પ્રતિમાઓનો ઢગલો કરી દેવાતા રાજ્યભરમાં જૈન સમાજમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો. જૈન સમાજ દ્વારા સરકાર તેમજ વહીવટીતંત્રને ઉગ્ર આંદોલન સાથે રજૂઆતો કરાતા તંત્રએ નમતું જોખવું પડયું  હતું અને ગઇકાલે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

એટલું જ નહી પરંતુ જૈન સમાજનો વિરોધ અને આક્રોશ જોતા તંત્ર દ્વારા તાત્કાલિક ખંડિત તેમજ ઉખાડી નાંખવામાં આવેલી ભગવાન નેમીનાથની મૂર્તિઓને ફરીથી તે જ જગ્યા પર સ્થાપિત કરવાનું કામ યુધ્ધના ધોરણે શરૃ કરી દેવામાં આવ્યું હતું. આજે બીજા દિવસે પણ તે કામ ચાલુ રાખી ઢળતી સાંજ સુધીમાં તે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરે આજે સવારે જણાવ્યું હતું કે તમામ ૧૯ મૂર્તિઓ સાંજ સુધીમાં જે તે જગ્યા પર સ્થાપિત કરી દેવાશે અને કામ પૂર્ણ થઇ જશે તેમણે આ સાથે આ મુદ્દે સરકાર પણ સંવેદનશીલ હોવાનું કહ્યું હતું. જેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે અંગે પોલીસ તપાસ પણ ચાલી રહી છે.

હાલોલ જૈન સંઘના સેક્રેટરી દિનેશભાઇ શાહે જણાવ્યું હતું કે આજે અમો જૈન સંઘના આગેવાનો ગાંધીનગર ખાતે ભેગા થયા હતાં ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટેલિફોનિક માધ્યમથી જણાવવામાં આવ્યું  હતું કે આગળનો દરવાજો બંધ હતો તે હવેથી ખોલી દેવાયો છે અને તેમાં તમે જીર્ણોધ્ધાર તેમજ પૂજા અર્ચના પણ કરી શકશો. અમારી માંગણી સંતોષાતા હાલની પરિસ્થિતિમાં અમારુ આંદોલન અહીં સ્થગિત કરવામાં આવ્યું છે.




Google NewsGoogle News