વડોદરાના તમામ વીજ ફીડરો કાર્યરત થયા, 99 ટકા જોડાણો પર વીજ સપ્લાય શરૂ કરાયો : MGVCL
Vadodara Flooding MGVCL : વડોદરા શહેરમાં સોમવારે ભારે વરસાદ અને વિશ્વામિત્રીમાં પૂર આવ્યાના પાંચમા દિવસે મોટાભાગના વિસ્તારોમાં હવે વીજ સપ્લાય પૂર્વવત શરૂ થયો હોવાનો દાવો મધ્ય ગુજરાત વીજ કંપનીએ કર્યો છે. વીજ કંપનીનું કહેવું છે કે, વડોદરા શહેરના તમામ ફીડર ચાલુ થઈ ગયા છે.
વીજ કંપનીના એમડી તેજસ પરમારે એક વાતચીતમાં કહ્યું હતું કે, ગઈકાલે એટલે કે ગુરૂવારે સવારે 44 ફીડરો બંધ હતા અને આજે એક પણ ફીડર બંધ નથી. તમામ પર વીજ સપ્લાય ચાલુ કરી દેવાયો છે. માત્ર 100 જેટલા ટ્રાન્સફોર્મરો એવા છે જે પાણીમાં હોવાથી અથવા તો તેમાં પાણી ભરાઈ રહ્યા હોવાથી ચાલુ કરી શકાયા નથી.
આ ઉપરાંત કેટલાક બિલ્ડિંગો એવા છે જેમાં મીટરો બેઝમેન્ટમાં હોવાના કારણે અને હજી બેઝમેન્ટમાંથી બિલ્ડિંગના રહેવાસીઓ કે દુકાનદારો પાણીનો નિકાલ નહીં કરી શક્યા હોવાના કારણે વીજ પુરવઠો અમારે બંધ રાખવો પડયો છે.
વડોદરા શહેરમાં 99 ટકા જોડાણો પરનો સપ્લાય ચાલુ થઈ ગયો છે તેવું કહી શકાય. મોટા પાયે વીજળી હજી પણ ગુલ હોય તેવી ફરિયાદો ઓછી છે. વ્યક્તિગત સ્તરે જે પણ ફરિયાદો મળે છે તેનો પણ ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. આ સિવાય ક્યાંક વીજ પ્રવાહ ચાલુ થયા બાદ ટેકનિકલ ખામીના કારણે ફરી લાઈટો જતી રહે તેવુ બની શકે છે.