વિદ્યાર્થીઓએ છ મહિનામાં તૈયાર કરેલા વિવિધ ડિઝાઈનના ૧૦૦ વાહનો સ્પર્ધામાં પ્રસ્તુત કરશે
૧૬ રાજ્યોની એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ આવશે
ગુજરાતની સૌથી મોટી વડોદરામાં રાષ્ટ્રીય અરાવલી ટેરેન વ્હિકલ ચેમ્પિયનશિપ યોજાશે
વડોદરા, તા.4 ફેબ્રુઆરી 2020, મંગળવાર
ગુજરાતમાં પ્રથમવાર વડોદરામાં રાષ્ટ્રીયકક્ષાની અરાવલી ટેરેન વ્હિકલ ચેમ્પિયનશિપ તા.૧૫થી ૧૯ ફેબુ્ર. દરમિયાન સયાજીપુરા એપીએમસી નજીકના વિશાળ મેદાન ખાતે યોજાનાર છે. જેમાં ૧૬ રાજ્યોની એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ છ મહિનામાં તૈયાર કરેલા વિવિધ ડિઝાઈન ધરાવતા ૧૦૦ વાહનો પ્રસ્તુત કરાશે, જેમાં ૨૫ ઈ વ્હિકલ હશે. અંતિમ દિવસે ૧૦૦ વાહનો વચ્ચે રેસ યોજાશે. સ્પર્ધામાં જીતનાર પાંચ વાહનોને ઈન્ટરનેશનલ વ્હિકલ ચેમ્પિયનશિપમાં જવાની તક મળશે.
જિલ્લા વહીવટી તંત્ર, ઔદ્યોગિક મંડળો અને ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓના સહયોથી આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે કહ્યું કે, વડોદરા ઔદ્યોગિક એકમોનું શહેર છે તેમજ યુનિવર્સિટી અને કોલેજ પણ ઘણી છે જેમાં વિદ્યાર્થીઓને ઈનોવેટિવ ક્ષેત્રે માર્ગદર્શન મળે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક જેવા ૧૬ રાજ્યોમાંથી ભાગ લેનારા લગભગ ૨૫૦૦ વિદ્યાર્થીઓએ પોતાની સૂઝબૂઝ પ્રમાણે ૧૦૦ વાહનો તૈયાર કર્યા છે જેને તેઓ અહીં રજૂ કરશે. વિવિધ રાજ્યોની ૧૦૦ ટીમમાં ગુજરાતની ૧૦ અને વડોદરાની ૨ છે. મેક ઈન ઈન્ડિયા ક્ષેત્રની આ સૌથી મોટી ઈવેન્ટ ગણાશે. પાંચ દિવસીય ઈવેન્ટમાં એચઆર સમિટ, જીનીયસ ટોક, ફૂડ ફેસ્ટિવલ, મેગા જોબ ફેર તેમજ સોશિયલ અને સ્કીલ ડેવલોપમેન્ટ માટે વિવિધ ઈવેન્ટ યોજાશે.
પ્રથમ બે ઈવેન્ટમાં ગુજરાતની ટીમ જ જીતેલી
ટીમના સભ્યે કહ્યું કે, છેલ્લા બે વર્ષ રાજસ્થાનના કોટામાં આ ઈવેન્ટ યોજાઈ હતી જેમાં બંને વખત ગુજરાતના અમદાવાદની ટીમ જ વિજેતા થઈ હતી. જો કે દર વર્ષે સૌથી વધુ ટીમ મહારાષ્ટ્ર અને તામિલનાડુમાંથી આવે છે. શહેરમાં વાહનોની રેસ માટે મેદાનમાં ૩.૫ કિમી, ૧.૨ કિમી અને ૮૦૦મીટરનો ટ્રેક બનાવામાં આવ્યો છે.
૧૫૦થી વધુ કંપનીઓ જોબ ફેરમાં આવશે
રાજ્યનો સૌથી મોટો જોબ ફેર આ સ્પર્ધામાં યોજાનાર છે જેમાં ૧૫૦થી પણ વધુ મલ્ટી નેશનલ, નેશનલ અને લોકલ કંપનીઓ આવશે. ૨૦૦૦થી પણ વધુ યુવાનોને અહીંથી જોબ મળવાની આશા સેવાઈ રહી છે.