કોમર્સ ફેકલ્ટીના તમામ પાંચ વિભાગોના હેડનો ચાર્જ હવે ફેકલ્ટી ડીન પાસે

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
કોમર્સ ફેકલ્ટીના તમામ પાંચ વિભાગોના હેડનો ચાર્જ હવે ફેકલ્ટી ડીન પાસે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીએ વધુ એક શરમજનક રેકોર્ડ સ્થાપ્યો છે.કોમર્સ ફેકલ્ટીના તમામ પાંચ વિભાગોના હેડનો ચાર્જ હવે ફેકલ્ટી ડીન પાસે છે.ફેકલ્ટી અને યુનિવર્સિટી સત્તાધીશોને આ વિભાગોમાં હેડની નિમણૂંક કરવાની પણ ફૂરસદ નથી.

ફેકલ્ટીના ખાડે ગયેલા વહિવટ પાછળ હેડની  નિમણૂંક નહીં કરવાની નીતિ પણ એટલી જ જવાબદાર છે.યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટીમાં પાંચ વિભાગ છે.આ પૈકી બેન્કિંગ વિભાગનો ચાર્જ ૨૦૧૭થી ડીન પાસે છે.કો ઓપરેશન વિભાગમાં હેડનુ પદ એપ્રિલ-૨૦૨૩થી ખાલી પડયુ છે.ઈકોનોમિક્સ વિભાગમાં ડિસેમ્બર ૨૦૨૨થી આ જગ્યા ખાલી છે અને હવે કોમર્સ એન્ડ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પણ હેડની જગ્યા ખાલી પડતા ગઈકાલથી તેનો ચાર્જ ફેકલ્ટી ડીનને સોંપવામાં આવ્યો છે.ડીન પ્રો.કેતન ઉપાધ્યાય પાસે એકાઉન્ટ વિભાગના હેડનો ચાર્જ પહેલેથી જ છે.

આમ યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટીમાં માત્ર ડીન જ સર્વેસર્વા છે.સાથે સાથે કોમર્સ ફેકલ્ટી સાથે જોડાયેલી પાદરા કોલેજના પ્રિન્સિપાલનો ચાર્જ પણ તેમની પાસે ઘણા સમયથી છે.ફેકલ્ટી ડીન તરીકેની જવાબદારી સંભાળવામાં મોટાભાગનો સમય જતો હોય ત્યારે પાંચ વિભાગો અને પાદરા કોલેજ પાછળ ફેકલ્ટી ડીન કેવી રીતે સમય  આપી શકે તે સવાલ છે.જોકે યુનિવર્સિટી સત્તાધીશોએ કોમર્સ ફેકલ્ટીની થઈ રહેલી દુર્દશા પર ધ્યાન જ નહીં આપવાની  નીતિ અપનાવી લીધી છે.જેના કારણે કોમર્સ ફેકલ્ટીનો વહિવટ સાવ ખાડે જઈ રહ્યો છે.ફેકલ્ટી સત્તાધીશો હજી સુધી  નવી શિક્ષણ નીતિ પ્રમાણેનુ માળખુ તૈયાર કરી શક્યા નથી .જેના કારણે એફવાયના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો પણ જાહેર થઈ રહી નથી.


Google NewsGoogle News