રાજકોટની ગેમઝોન હોનારતને પગલે વડોદરાના તમામ ગેમઝોન અને ફનપાર્ક બંધ કરાવવા આદેશ
વડોદરાઃ રાજકોટની ટીઆરપી ગેમઝોનમાં આગ લાગવાની દુર્ઘટનાને પગલે વડોદરામાં તંત્ર દોડતું થઇ ગયું છે અને મોડી સાંજે સંયુક્ત ટીમો દ્વારા જુદાજુદા ૯ સ્થળોએ ચાલતા ગેમઝોન અને ફન પાર્ક બંધ કરાવવા સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત ફનપાર્ક તેમજ અન્ય ગેરકાયદે ચાલતા હોય તેવા ગેમઝોનની પણ તપાસ કરવામાં આવી રહીછે.
રાજકોટમાં ગેમઝોનની દુર્ઘટનાના પ્રત્યાઘાત રાજ્યભરમાં પડયા છે ત્યારે વડોદરા કોર્પોરેશન,પોલીસ,ફાયર બ્રિગેડ,વીજ કંપની,સ્ટ્રીટ લાઇટ વિભાગ અને કલેક્ટર સહિતના વિભાગો પણ એલર્ટ થઇ ગયા હતા અને સંયુક્ત ટીમો બનાવી ગેમઝોન તેમજ મોલ જેવા સ્થળોએ ઝુંબેશ શરૃ કરી હતી.
શહેર પોલીસ કમિશનરે કહ્યું હતું કે,વડોદરામાં કેટલા ગેમઝોન ચાલે છે તેની તપાસ કરવા પોલીસ ફાયર બ્રિગેડની સાથે રહેશે.સંયુક્ત ટીમો દ્વારા લાયસન્સ તેમજ સેફ્ટીના પાસાની તપાસ કરવામાં આવશે.
ઇન્ચાર્જ ચીફ ફાયરે કહ્યું હતું કે,દરેક ઝોન પ્રમાણે ફાયર બ્રિગેડની ટીમો દ્વારા ગેમઝોન,મોલ તેમજ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવા સ્થળોએ ફાયર સેફ્ટીના સાધનો અને વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે.જ્યાં સુધી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે ત્યાં સુધી ગેમઝોન બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.