સવારે આજવા-પ્રતાપપુરાના ગેટ બંધ કર્યા બાદ સાંજે ફરી ખોલ્યા

લેવલ જાળવી રાખવી વારેઘડીએ ગેટ ખોલબંધ કરતા લોકોના જીવ ઊંચાનીચા થઈ જાય છે

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
સવારે આજવા-પ્રતાપપુરાના ગેટ બંધ કર્યા બાદ સાંજે ફરી ખોલ્યા 1 - image

વડોદરા,વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના તંત્રે સોમવારે સવારે વરસાદની આગાહીના પગલે આજવા - પ્રતાપપુરાના ગેટ બંધ કરી દીધા હતા, પરંતુ ઉપરવાસમાં વરસાદ નહીં હોવાથી સાંજે આશરે ૬ કલાક બાદ ફરી ખોલી નાખ્યા હતા.

આજવા અને પ્રતાપપુરા ડેમમાં લેવલ જાળવી રાખવા આ રીતે ગેટ ખોલબંધ કરતા લોકોનાં જીવ ઊંચાનીચા થઈ જાય છે. કોર્પોરેશને જણાવ્યું હતું કે, આજવા અને પ્રતાપપુરાના દરવાજા સાંજે ૫.૩૦ કલાકે શહેરમાં તથા ઉપરવાસમાં વરસાદ ન હોવાથી ખોલવામાં આવ્યા છે. વિશ્વામિત્રીનું લેવલ ૧૪.૫૦ ફૂટ છે.

વડોદરા કોર્પોરેશને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તારીખ ૩૧/૦૮/૨૦૨૪ ના રોજ આજવા તથા પ્રતાપપુરા ડેમના દરવાજા ખોલ્યા હતા, જેને લીધે આજવા ડેમનું લેવલ ૧.૫ ફુટ જેટલુ તથા પ્રતાપપુરા ડેમનું લેવલ ૫ ફુટ જેટલુ નીચું આવેલું હતું.  હવે તારીખ ૨ તથા ૩ ના રોજ હળવાથી - મધ્યમ વરસાદની આગાહી હોવાથી આજવા તથા પ્રતાપપુરા ડેમના દરવાજા બંધ કર્યા હતા. આજે સવારે ૧૧ વાગે ગેટ બંધ કર્યા ત્યારે આજવા સરોવરનું લેવલ ૨૧૧.૯૫ ફૂટ હતું, જ્યારે પ્રતાપપુરા સરોવરનું લેવલ ૨૨૫.૪૦ ફૂટ નોંધાયું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે, આજવા સરોવરના ગેટ સતત ખુલ્લા હોવાથી પાણીની આવક ચાલુ રહેતા વડોદરામાં ભયાનક પુર આવ્યુ હતું. આજવાનું પાણી બંધ કરવા અગાઉ નિર્ણય લેવાયો ત્યારે આજવા સરોવરનું લેવલ ૨૧૩.૬૫ ફૂટનું હતું. 

ત્યારબાદ વરસાદ થંભી જતા અને વિશ્વામિત્રી નદીનું લેવલ પણ ઘટી જતા અગાઉ નક્કી કર્યા મુજબ આજવા સરોવરમાં ૨૧૨ ફૂટનું લેવલ જાળવી રાખવા શનિવારની રાતથી પાણી છોડવાનું શરૃ કરવામાં આવ્યું હતું. અને ૨૪ કલાકમાં લેવલ આશરે દોઢ ફૂટ જેટલું ઘટી ગયું હતું. સવારે ગેટ બંધ કર્યા બાદ સાંજ સુધીમાં આજવા તથા પ્રતાપપુરાનું લેવલ થોડું વધી ગયું હતું. પ્રતાપપુરાનું લેવલ વધીને ૨૨૫.૫૫ ફૂટ થયું હતું. આસોજ ફીડર ૦.૩૬ ફૂટે ચાલુ હતું.


Google NewsGoogle News